Updated: Sep 21st, 2023
– સુરત પાલિકાના 100 કર્મચારીઓએ અસરગ્રસ્ત વિસ્તારમાં ત્રણ દિવસથી સફાઈ કરી રહ્યા છે, આવી કામગીરીમાં સુરત પાલિકાની કામગીરી અસરકારક છે
સુરત,તા.21 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
તાપી અને ખાડી પુર સાથે ગટરીયા પુરનો અનેક વખત સામનો કરી ચુકેલા સુરત પાલિકાની ટીમ પુર બાદ સફાઈ કામગીરીમાં નિષ્ણાંત બની ગયેલી પાલિકાની ટીમ હાલમાં પુર અસરગ્રસ્ત અંકલેશ્વરમાં સફાઈની કામગીરી કરી રહી છે. પાલિકાની ટીમ અંકલેશ્વરની સફાઈની કામગીરીમાં જોડાતા કામગીરી ઝડપી બની છે.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે થી પસાર થતી નર્મદા નદીમાં આવેલા પુરના કારણે અંકલેશ્વરની હાલત કફોડી થઈ ગઈ છે. અંકલેશ્વરની સંખ્યાબંધ સોસાયટીઓમાં નર્મદા નદીના પુરના પાણી ઘુસી જતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘુસી ગયા હોવાથી બગડેલી વસ્તુઓ જાહેર રસ્તા પર નાંખવામાં આવી રહી છે. આ ગંદકી તથા પુર સાથે આવેલી માટીના કારણે થયેલી ગંદકીથી રોગચાળો ફેલાઈ તેવી ભીતી છે.
અંકલેશ્વર પાલિકા પાસે આ કામગીરીને પહોંચી વળવા માટે પુરતો સ્ટાફ ન હોવાથી પુર બાદની ગંદકીની સફાઈ કામગીરીમાં નિષ્ણાંત બની ગયેલા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમને અંકલેશ્વર મોકલવામા આવી છે. છેલ્લા ત્રણ દિવસથી પાલિકાના 100 જેટલા કર્મચારીઓની ટીમ અંકલેશ્વરમાં સફાઈની કામગીરી કરી રહી છે. સુરતમાં બ્રશીંગથી સફાઈ થાય છે તેમ કામગીરી કરવામાં આવતી હોવાથી સફાઈની કામગીરી ઢઝડપી બની છે.