Updated: Jan 7th, 2024
– ઉધનાના સોનીની નજર સામે નીકળી ગયોઃ હમવતની કારીગર દસ દિવસ પહેલા જ સોનીને ત્યાં જોડાયો હતો
સુરત
ઉધનાના દાગીના નગરમાં સોના-ચાંદીના દાગીના રીપેરીંગનું કામ કરતા સોનીનો હમવતની કારીગર પોલીશ કરવા આપેલા 74 ગ્રામ વજનના રૂ. 3.43 લાખના દાગીના તફડાવી રફુચક્કર થઇ જતા ઉધના પોલીસે ચોરીનો ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
ઉધનાના દાગીના નગરમાં આવેલા પ્રભુ કુટીર એપાર્ટમેન્ટમાં રહેતા સૈફુદ્દીન રુહુલ આમીન શેખ (ઉં. વ. 46 મૂળ રહે. આઈમાં આલાસીન, તા. ભાટાસીન, જડી. હુગલી, પ. બંગાળ) પોતાના રહેણાંક ખાંતે ભાણેજ ઇબ્રાહીમ સાથે સોના-ચાંદીના દાગીના રીપેરીંગ તથા પોલીશીંગનું કામ કરે છે. સૈફુદ્દીને ગત 2 જાન્યુઆરીએ પોતાના ચાર કારીગર સાહીએ, બાદલ નાસીર તથા સોમયા ઉર્ફે સોમુ દેબનાથ (મૂળ રહે. પ. બંગાળ) પૈકી સોમયાને ગ્રાહકોના અલગ-અલગ સોનાના દાગીના પોલીશ કરવા આપ્યા હતા. સોમયા દુકાનની અંદરની રૂમમાં બેસી દાગીના પોલીશ કરવાનું કામ કરી રહ્યો હતો અને બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં સોમયા દુકાનની બહાર ગયો હતો. પાંચેક મિનીટમાં પરત નહીં આવતા સૈફુદ્દીનને શંકા જતા આજુબાજુમાં શોધખોળ કરી હતી. પરંતુ સોમયા મળ્યો ન હતો અને તેને પોલીશ માટે આપેલી સોનાની વીંટી, ચેઇન, પેન્ડલ, બુટ્ટી વિગેરે મળી કુલ 74 ગ્રામ વજનના કિંમત રૂ. 3.43 લાખના દાગીના પણ ગાયબ હતા. ઉલ્લેખનીય છે કે સોમયા ઉર્ફે સોમુ ગત 26 ડિસેમ્બરના રોજ નોકરીમાં જોડાયો હતો અને દસ દિવસમાં દાગીના તફડાવી રફુચક્કર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.