મુંબઈ: અધિવેશનની પૂર્વ સંધ્યાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈને શાંઘાઈ નહીં પણ પર્યટકોને ગમે તેવું સ્વચ્છ, સુંદર અને સુશોભિત આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવાની જાહેરાત કરી હતી.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક હોવાથી શિંદે-ફડણવીસની સરકારે મુંબઈને લગતા કામોના ધનાધન ઉદ્ઘાટન કરવાના ચાલુ કરી દીધું છે, જેમાં મહિના પહેલા વડા પ્રધાન મોદીએ કરેલા પ્રોેજેક્ટનું રવિવારે ચેંબુરમાં ફરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન શિંદેએ મુંબઈની કાયાકલપ કરવાની સાથે જ મુંબઈ મહાનગરપાલિકામાં રહેલી કૉન્ટ્રેક્ટર લોબીને દૂર કરવાની જાહેરાત કરી હતી.
રવિવારે ચેંબુરમાં શિંદેએ મુંબઈને લગતા રસ્તાના સિમેન્ટ-કોંક્રીટાઈઝેશન, સુશોભીકરણ, સ્યુએજ લાઈન સહિતના જુદા જુદા 320 કામોના ઉદ્ઘાટન કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મુંબઈને શાંઘાઈ બનાવવાના સપનાં જોવાં કરતાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જાનું શહેર બનાવવાની જરૂરત છે. તે માટે પાલિકા દ્વારા મુંબઈના દરિયામાં ચોખ્ખું પાણી ઠાલવી શકાય તે માટે સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામ કરવામાં આવવાના છે. મહિલાઓ માટે સાર્વજનિક પ્રસાધનગૃહની સંખ્યા વધારવા, તમામ ફૂટપાથ અને રસ્તાની સ્વચ્છતા અને સુધારણા કરવાના કામ કરવામાં આવવાના છે.
બોક્સ
મુંબઈનું ભવિષ્ય ઉજવળ
પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે કહ્યું હતું કે મુંબઈ સુશોભીકરણના કામ હેઠળ 500માંથી 121 કામ પૂરા થયા છે, જેમા ટ્રાફિક બેટ, રસ્તા, ડિવાઈડર, ફૂટપાથ, બગીચા, પુલ અને દીવાલોની પેઈન્ટિંગ જેવા કામનો સમાવેશ થાય છે, જેમાં રવિવારથી 320 કામ હાથમાં લીધા છે, તેમાં 70 ટ્રાફિક બેટ, 92 ફૂટપાથ, 43 પુલ પર લાઈટિંગ અને પેઈન્ટિંગ, છ દરિયાકિનારા, 22 રસ્તા પર લાઈટિંગ, 13 રોડ ડિવાઈડર, 15 ઉદ્યાન, 24 ઠેકાણે દીવાલો પર પેઈન્ટિંગ જેવા કામનો સમાવેશ થાય છે. એ સિવાય 111 રસ્તાના સિમેન્ટ કૉંક્રીટાઈઝનના કામ પણ ચાલુ કરવામાં આવવાના છે. તેમાંથી 50 ટકા કામ ચોમાસા પહેલા પૂરા કરવામાં આવવાના હોવાનું કમિશનરે કહ્યું હતું. એ સિવાય મુંબઈમાં 5,000 સ્વચ્છતા દૂત નિમવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. પૂર્વ-પશ્ર્ચિમ હાઈવે પર 10-10 એમ કુલ 20 ફરતા શૌચાલય પણ ઊભા કરવામાં આવવાના છે. ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના દર્દી શોધવા ઘરે ઘરે સર્વેક્ષણ પણ કરવામાં આવવાના છે.