વેપારી પત્ની સાથે દમણ અને પુત્ર પરિવાર સાથે મથુરા ગયો હતો
ચોર હોલમાં ફરતા હોવાનું મોબાઈલમાં નોટિફિકેશન મળતા પાડોશી ભાઈને જાણ કરી, તે પોલીસ સાથે પહોંચ્યા તે પહેલા ચોર ભાગી ગયા
Updated: Nov 20th, 2023
– વેપારી પત્ની સાથે દમણ અને પુત્ર પરિવાર સાથે મથુરા ગયો હતો
– ચોર હોલમાં ફરતા હોવાનું મોબાઈલમાં નોટિફિકેશન મળતા પાડોશી ભાઈને જાણ કરી, તે પોલીસ સાથે પહોંચ્યા તે પહેલા ચોર ભાગી ગયા
સુરત, : સુરતના સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વૃદ્ધ કાપડ વેપારી પત્ની સાથે દમણ તેમના બીજા ઘરે ગયા હતા જયારે તેમનો પુત્ર પરિવાર સાથે મથુરા ફરવા ગયો હતો ત્યારે બે ચોર રસોડાની બારી ખોલી લોખંડની ગ્રીલ કાઢી ઘરમાં પ્રવેશી રોકડા રૂ.5.50 લાખ, સોના-ચાંદીના દાગીના, ઘડીયાળ વિગેરે મળી કુલ રૂ.6.88 લાખની મત્તાની ચોરી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટી બંગલા નં.16 માં રહેતા 70 વર્ષીય કાપડ વેપારી ભરતકુમાર રમણલાલ ખંભાતી ગત 15 મી ના રોજ પત્ની રંજનબેન સાથે દમણ તેમના બીજા ઘરે રોકાવા ગયા હતા.જયારે તેમનો પુત્ર અભિષેક પરિવાર સાથે મથુરા ફરવા ગયો હતો.દરમિયાન, ગત મળસ્કે 3.10 કલાકે તે સુતા હતા ત્યારે મોબાઈલ ફોનમાં સુરતના ઘરના હોલમાં કોઈક વ્યકિત હલનચલન કરે છે તેવું નોટિફિકેશન આવતા તેમણે હોલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો હોલમાં બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી ફરતા નજરે ચઢ્યા હતા.આથી તેમણે બાજુના બંગલા નં.14 માં રહેતા ભાઈ પ્રવિણચંદ્રને ફોન કરતા તે પુત્ર પરિમલ અને સોસાયટીના રહીશોને ઉઠાડી પોલીસને જાણ કરી પોલીસ આવતા તેમની સાથે બંગલામાં ગયા તો બંને ચોર પાછળથી ભાગી ગયા હતા.
ભરતકુમારે સુરત આવી બંગલામાં જોયું તો પાછળની રસોડાની બારી તોડી લોખંડની ગ્રીલ સ્ક્રુ ખોલી સાઈડમાં કરી હતી.ઘરમાં સામાન વેરવિખેર હતો અને રૂમમાં કબાટના લોક તૂટેલા હતા.ચોર તેમના બેડરૂમના કબાટમાંથી રોકડા રૂ.4.50 લાખ, રૂ.75 હજારની ચાંદીની 15 થી 17 જોડી પાયલ તેમજ બાજુના પુત્રના રૂમના કબાટમાંથી રોકડા રૂ.1 લાખ, રૂ.45 હજારની મત્તાનું સોનાનું કંગન અને રૂ.18 હજારની મત્તાની ઘડીયાળ ચોરી ગયા હતા.ચોર રાત્રે 1.31 કલાકે ઘરમાં ઘુસ્યા હતા અને 3.10 નીકળ્યા હતા.કુલ રૂ.6.88 લાખની મત્તાની ચોરી અંગે ભરતકુમારે ગતરોજ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ વી.એન સિંગરખીયા કરી રહ્યા છે.