રિયલ એસ્ટેટ પોર્ટલ હાઉસિંગ ડોટ કોમના પ્લેટફોર્મ પર 2022 માટે મુંબઈનો થાણે પશ્ચિમ વિસ્તાર સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે બેંગલુરુનું વ્હાઇટફિલ્ડ અને દિલ્હી-એનસીઆરનું નોઈડા એક્સ્ટેંશન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને હતું.
Housing.com એ સોમવારે કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન તેના પ્લેટફોર્મ પર હાઉસિંગ માટે સૌથી વધુ સર્ચ કરાયેલા વિસ્તારોની યાદી બહાર પાડી છે. તદનુસાર, કોલકાતાનું ન્યુ ટાઉન અને મુંબઈનું મીરા રોડ ઈસ્ટ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને હતું.
ઓનલાઈન સર્ચમાં અમદાવાદનો ચાંદખેડા વિસ્તાર છઠ્ઠા ક્રમે છે જ્યારે પૂણેનો વાકડ વિસ્તાર સાતમા અને પુણેનો ખારઘર આઠમા ક્રમે છે. આ યાદીમાં અમદાવાદના ગોતા અને વસ્ત્રાલ વિસ્તાર અનુક્રમે નવમા અને દસમા ક્રમે હતા.
રેસિડેન્શિયલ સેક્ટરના પોર્ટલે જણાવ્યું કે જાન્યુઆરીથી ડિસેમ્બર 2022 દરમિયાન લોકોએ તેના પ્લેટફોર્મ પર આ સ્થાનો પર રહેણાંક મિલકતો માટે સૌથી વધુ સર્ચ કર્યું. તેમાંથી 60 ટકા લોકો આ વિસ્તારોમાં રહેવા માટે ઘર ખરીદવા માગતા હતા, જ્યારે બાકીના લોકો ભાડા પર મકાન લેવા માગતા હતા.
નિવેદન અનુસાર, 50 લાખ રૂપિયાથી ઓછી કિંમતના મકાનોની સૌથી વધુ સર્ચ કરવામાં આવી હતી. હાઉસિંગ ડોટ કોમના ગ્રૂપ સીઈઓ ધ્રુવ અગ્રવાલે જણાવ્યું હતું કે પાછલા મહિનાઓમાં વ્યાજદરમાં વધારો થયો હોવા છતાં ઘર ખરીદવાનો સિલસિલો ચાલુ રહેવાની ધારણા છે.