કેન્દ્ર સરકાર લોજિસ્ટિક્સ ખર્ચને વર્તમાન 13 ટકાથી ઘટાડીને કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) ના 7.5 ટકા પર લાવવા માટે કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ઉદ્યોગ સંગઠન એસોચેમના વાર્ષિક સત્રને સંબોધિત કરતા આ વાત કહી.
તેમાં શાહે કહ્યું હતું કે દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિકાસ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કર્યા વિના વિકાસ શક્ય નથી. તેમણે કહ્યું કે ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ જીડીપીના 13 ટકા છે જ્યારે બાકીના વિશ્વમાં તે આઠ ટકા છે. આનાથી ભારતની નિકાસ માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવાનું મુશ્કેલ બને છે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, ‘આપણે 13 ટકા અને આઠ ટકાના આ તફાવતને દૂર કરવો પડશે. અમે આગામી પાંચ વર્ષનો રોડમેપ બનાવ્યો છે. હું ખાતરી આપવા માંગુ છું કે આગામી પાંચ વર્ષમાં અમે લોજિસ્ટિક્સ ખર્ચને 7.5 ટકા સુધી લાવશું.
શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 100 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાં રેલવે લાઈનોને બમણી કરવી, તેને પહોળી કરવી, મુંબઈથી દિલ્હી અને અમૃતસરથી કોલકાતા વચ્ચેના માલવાહક કોરિડોર ઉપરાંત 11 અન્ય ઔદ્યોગિક કોરિડોર પણ સામેલ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અન્ય સિદ્ધિઓની યાદી આપતા શાહે જણાવ્યું હતું કે સરકારે વૈશ્વિક સ્તરે નિકાસને સ્પર્ધાત્મક બનાવવા માટે 2028 સુધીમાં લોજિસ્ટિક્સ ખર્ચને રાષ્ટ્રીય સરેરાશથી નીચે લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મોદી સરકારે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર અને 2025 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનો મજબૂત પાયો નાખ્યો છે.
તેમણે કહ્યું કે હવે લગભગ દરેક બિઝનેસમાં UPIનો ઉપયોગ થઈ રહ્યો છે. શાહે કહ્યું, ‘2022માં 8,840 કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં UPIનો હિસ્સો 52 ટકા એટલે કે રૂ. 1.26 લાખ કરોડ છે.’ શાહે કહ્યું કે વિશ્વમાં પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક યોજનાઓ દ્વારા જીડીપીના નિરાશાજનક આંકડાઓને માનવ ચહેરો આપ્યો.