થાણે એડિશનલ ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર રિડ્રેસલ કમિશને વીમા કંપનીને કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ માટે વળતર તરીકે રૂ. 7.29 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ફેક્ટરીના નવી મુંબઈ પ્લાન્ટમાં 2015માં આગ લાગી હતી.
કમિશનના અધ્યક્ષ રવિન્દ્ર પી નાગ્રે, 21 માર્ચના રોજના તેમના આદેશમાં પ્રતિવાદી ફ્યુચર જનરલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીને બેદરકારી, સેવામાં ઉણપ અને અયોગ્ય વેપાર પ્રથા માટે દોષિત ગણાવી હતી. આદેશની નકલ બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ગ્રાહક ફોરમે વીમા કંપનીને 29 ઓક્ટોબર, 2017 થી રકમ ન મળે ત્યાં સુધી વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે દાવેદાર, સંગદીપ એસિડ કેમ પ્રાઇવેટ લિમિટેડને ચૂકવવા નિર્દેશ આપ્યો હતો.
ફોરમે વીમા કંપનીને માનસિક યાતનાના વળતર તરીકે રૂ. 25 લાખ અને કાયદાકીય ખર્ચ પેટે રૂ. એક લાખ ચૂકવવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જો 45 દિવસની અંદર પેમેન્ટ નહીં કરવામાં આવે તો વ્યાજ દર વાર્ષિક 12 ટકા રહેશે.