રિયલ એસ્ટેટ કંપની મેક્રોટેક ડેવલપર્સનું વેચાણ બુકિંગ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 17 ટકા વધીને રૂ. 3,350 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન, કંપનીએ રૂ. 12,000 કરોડની વેચાણ ક્ષમતા સાથે પાંચ નવા પ્લોટ અથવા જમીનના ટુકડા ઉમેર્યા છે.
મેક્રોટેક ડેવલપર્સ, જે લોઢા બ્રાન્ડ હેઠળ પ્રોપર્ટીનું વેચાણ કરે છે, તેણે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 2,860 કરોડનું વેચાણ બુકિંગ નોંધાવ્યું હતું. સ્ટોક એક્સચેન્જોને મોકલવામાં આવેલી માહિતીમાં, કંપનીએ કહ્યું કે તેણે પ્રથમ ક્વાર્ટરમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ વેચાણ બુકિંગ નોંધાવ્યું છે. આ વાર્ષિક ધોરણે 17 ટકાનો વધારો છે.
વધુમાં, તેણે રૂ. 12,000 કરોડના ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (GDV) સાથે પાંચ નવા પ્રોજેક્ટ ઉમેર્યા છે, એમ કંપનીએ જણાવ્યું હતું. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અભિષેક લોઢાએ જણાવ્યું હતું કે, “પ્રથમ ક્વાર્ટર માટે અમારું પ્રદર્શન ચાલુ નાણાકીય વર્ષમાં વેચાણ બુકિંગમાં 20 ટકા વૃદ્ધિની અમારી અપેક્ષાને અનુરૂપ છે.” તેમણે જણાવ્યું હતું કે માંગની સ્થિતિ મજબૂત છે અને ગ્રાહકો હવે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે.