Updated: Sep 25th, 2023
– ઉધના વિસ્તારમાં દેમાર વરસાદ-વરસાદના વિરામના બે કલાક બાદ પણ પાણીનો ભરાવો થતાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો
– સુરત નવસારી રોડ પર પાણીનો ભરાવો કામગીરી માટે પાલિકા કર્મચારીઓ નહી આવ્યા અને પોલીસ ન આવતાં ટ્રાફિકની સ્થિતિ બગડી, લોકોની હાલત કફોડી
સુરત,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર
સુરતમાં રવિવારે રાત્રે પડેલા વરસાદના કારણે પાલિકા અને પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. પાલિકાના ઉધના ઝોનમાં મળસ્કે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે સુરત નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો. વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણીનો ભરાવો રહેતા ટ્રાફિક સમસ્યા થઈ હતી. આ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો હોવા છતાં પોલીસ કર્મચારીઓ ન દેખાતા લોકોનો રોષ બેવડાયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જતાં લોકો ટ્રાફિક જામમાં ફસાતા તેમની હાલત કફોડી થઈ ગઈ હતી.
સુરતમાં વરસાદની આગાહી વચ્ચે લિંબાયત અને ઉધના ઝોનમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. લિંબાયત ઝોનમાં પડેલા વરસાદના કારણે પાલિકાના નવા નિમાયેલા ડેપ્યુટી મેયરના ઘરની આસપાસ જ પાણીનો ભરાવો થયો હતો. જ્યારે ઉધના ઝોનમાંથી પસાર થતા સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો હતો.
લોકો વહેલી સવારે ઉઠીને નોકરી ધંધે જતા હતા પરંતુ ઘરની બહાર નીકળતા જ પાણી તથા સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાવો હોવાથી તેઓ ફસાયા હતા. સુરત નવસારી રોડ પર અનેક જગ્યાએ પાણીનો ભરાવો થતાં ટ્રાફિક જામ થઈ ગયું હતું. વરસાદ બંધ થયાના બે કલાક બાદ પણ પાણીનો ભરાવો યથાવત રહ્યું હતું. આ જગ્યાએ પાલિકાના કર્મચારીઓ કામગીરી કરતું ન દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ આ રોડ પર ઠેર ઠેર ટ્રાફિક જામ હતો અને પોલીસ કર્મચારીઓ કે ટ્રાફિક બ્રિગેડ ન આવતા લોકોની હાલત વધુ કફોડી થઈ ગઈ હતી. આમ વરસાદ બાદ પાલિકા અને પોલીસની કામગીરી ઢીલી હોવાથી લોકોએ તેનો ભોગ બનવું પડ્યું હતું.