Updated: Oct 7th, 2023
– રત્નકલાકારે કરેલી ફરિયાદની વિગતો મ્યુનિ.ના અધિકારીએ પશુપાલકને આપી દીધી હતી
– પશુપાલકે રત્નકલાકારને ધમકી આપી બાદમાં ત્રણ સાગરીતો પાસે હુમલો કરાવતા મ્યુનિ.ના અધિકારી, રબારી સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
સુરત,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
સુરતના સિંગણપોર વિસ્તારમાં રખડતા ઢોર અંગે ફરિયાદ કરનાર રત્નકલાકાર પર હુમલો કરાવનાર પશુપાલકની સિંગણપોર પોલીસે ધરપકડ કરી છે. રત્નકલાકારે કરેલી ફરિયાદની વિગતો મ્યુનિ.ના અધિકારીએ પશુપાલકને આપી દેતા પશુપાલકે રત્નકલાકારને ધમકી આપી બાદમાં ત્રણ સાગરીતો પાસે હુમલો કરાવ્યો હતો.
સુરતના સિંગણપોર વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર બેસી રહેતી ગાયો અંગે મ્યુનિ.માં ઓનલાઈન ફરિયાદ કરનાર રત્નકલાકાર ધર્મેશભાઈ બિપિનભાઇ વઘાસિયાની વિગતો મ્યુનિ.ના અધિકારી બલદાણીયાએ પશુપાલક રંગા રબારીને આપી દેતા રબારીએ રત્નકલાકારને ધમકી આપી બાદમાં ત્રણ સાગરીતો પાસે હુમલો કરાવ્યો હતો. આ અંગે સિંગણપોર પોલીસે ધર્મેશભાઈની ફરિયાદના આધારે મ્યુનિ.ના અધિકારી, રબારી સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સિંગણપોર પોલીસે આ બનાવમાં ગતરોજ પશુપાલક અજયભાઇ ઉર્ફે રંગો બાબુભાઇ રબારી (ઉ.વ.28, રહે.ઘર નં.21, શ્રી રામ કોલોની, ડભોલી ચાર રસ્તા, સુરત. હાલ રહે.ઘર નં.111, વિઠ્ઠલનગર સોસાયટી, બાપા સિતારામ ચોક ચાર રસ્તા, સુરત. મુળ રહે.રામણકા, જી.પાટણ) ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.