Updated: Oct 12th, 2023
-પેમેન્ટ
સમયસર નહીં કરવાની નીતિ અને પોતાના ધંધામાં થયેલું નુક્સાન માલ વેચનારા વેપારીઓના
માથે થોપી દેવાય છે
સુરત,
બહારગામના
વેપારીઓ સાથે કામકાજ કરવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું હોવાનો ગણગણાટ
ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં છે.બહારગામના વેપારીઓની નીતિ પેમેન્ટ સમયસર નહીં કરવાની
અને ધંધામાં થયેલું નુકસાન માલ વેચનારના માથે નાંખવાની રહી હોવાથી, સીધાં વેપારનો ઉત્સાહ
વિવર્સનો ઓછો થઈ રહ્યો છે.
કાપડ
ઉદ્યોગમાં આવતી તેજી-મંદીનો લાભ ટેક્સટાઇલ ઉદ્યોગકારોને વખતોવખત મળતો રહ્યો છે.
વેપારી હોય કે ગ્રે ઉત્પાદક હોય,
આનો લાભ લેતા રહ્યાં છે. પરંતુ બહાર ગામના વેપારીઓ પેમેન્ટ માટે
સૌથી વધુ રખડાવે છે અને ખૂબ દબાણ થાય ત્યારે માલ પરત કરી દેવામાં જરાય સમય બગાડતાં
નથી, એ પણ એક હકીકત છે.
ઘણાં
ગ્રે ઉત્પાદકો એજન્ટો મારફત બહારગામના વેપારીઓને સમય સમય પર માલ મોકલે છે. વર્ષોથી
બહાર ગામના વેપારીઓ સાથે સીધો સંબંધ ધરાવતાં વિભિન્ન કારખાનેદારોને વેપારની
પદ્ધતિમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ખાસ કરીને, ધારા પ્રમાણે પેમેન્ટ નહીં આપતાં અને ભાવ
તૂટે ત્યારે આખેઆખું પાર્સલ શરમ રાખ્યાં વિના પરત કરવાની વારંવારની હરકતથી વાજ આવી
ગયાં છે.
કાપડ
માર્કેટના વેપારીઓ બહારગામના વેપારીઓ સાથે ધંધો કરે ત્યારે રિટર્ન પાર્સલનો રેશિયો
8-10 ટકા
જેટલો સામાન્ય રીતે રહેતો હોય છે, જ્યારે કારખાનેદારો માટે આ
રેશિયો 80થી 100 ટકા સુધીનો હોય છે.
બહારગામનો વેપારી કોઈ પ્રોડક્ટ ખરીદે અને એ પ્રોડક્ટના ભાવ થોડાં દિવસમાં તૂટી જાય
તો, બહારગામનો વેપારી માલ રાખતો નથી, અને
બધું પરત મોકલી આપે છે.
બહારગામના
વેપારીઓ સાથે એજન્ટ મારફત કામ થતું હોવા છતાં પણ, નીતિમત્તા નહીં હોવાથી કારખાનેદારોને
નુકસાન સહન કરવું પડે છે. બહારગામના ઘણાં વેપારીઓના તો કામકાજના પણ કોઈ ઠેકાણાં
હોતા નથી. 10 બાય 10 ની એક નાનકડી
દુકાન ભાડે લઈને અને ખરીદેલો માલ ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં મૂકી રાખીને ધંધો કરે છે.
માલ વેચાય તો ઠીક નહીં તો પરત કરી દેવાનો. આવી નીતિથી કામ થાય છે.