રૂમમાંથી મળેલા પ્રેમીનું રટણ – યુવતીએ જાતે ગળામાં ચપ્પુ માર્યું
ઘરેથી કપડાં લેવા જાઉં છું કહી નીકળેલી યુવતી પ્રેમી સાથે રૂમમાં ગઈ હતી
Updated: Oct 14th, 2023
– રૂમમાંથી મળેલા પ્રેમીનું રટણ – યુવતીએ જાતે ગળામાં ચપ્પુ માર્યું
– ઘરેથી કપડાં લેવા જાઉં છું કહી નીકળેલી યુવતી પ્રેમી સાથે રૂમમાં ગઈ હતી
સુરત, : સુરતના પુણા પરવત પાટીયા સ્થિત ડી.આર.વર્લ્ડની ઓયો હોટલના રૂમમાંથી એક યુવતી આજે બપોરે ગળામાં ઇજા સાથે લોહીલુહાણ હાલતમાં મળતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.રૂમમાંથી યુવતી સાથે મળેલા પ્રેમીએ પોલીસને તેવું જણાવ્યું હતું કે યુવતીએ જાતે ગળામાં ચપ્પુ માર્યું હતું.હાલ યુવતી સારવાર હેઠળ હોય તેની પુછપરછ બાદ હકીકત સ્પષ્ટ થશે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા પરવત પાટીયા સ્થિત ડી.આર.વર્લ્ડમાં આવેલી ઓયો હોટલમાં આજે બપોરે મૂળ અમરેલીનો નિલેશ સોડાગર ( રહે.ગીતાનગર, સીતાનગર ચોકડી, પુણા ગામ, સુરત ) અને મૂળ ભાવનગરની રીમા ( નામ બદલ્યું છે ) ( ઉ.વ.21, રહે.ગીતાનગર, પુણાગામ, સુરત ) આવ્યા હતા અને ડોક્યુમેન્ટ જમા કરાવી રૂમ લીધો હતો.જોકે, થોડીવાર બાદ રૂમમાંથી જોરજોરથી અવાજ આવતા હોટલના સ્ટાફે જઈને જોયું તો રીમાના ગળામાંથી લોહી નીકળતું હતું.તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.બનાવની જાણ થતા દોડી ગયેલી પુણા પોલીસે નિલેશની અટકાયત કરી પુછપરછ કરતા તેણે રીમાએ જાતે ગળામાં ચપ્પુ માર્યાની કબૂલાત કરી હતી.
આ તરફ બનાવની જાણ થતા રીમાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.પરિવારજનોએ જણાવ્યું હતું કે રીમા ડી.આર.વર્લ્ડમાં કપડાં લેવા જવાનું કહી બપોરે ઘરેથી નીકળી હતી.તેને કોઈક અજાણ્યાએ ગળામાં ચપ્પુના 10 થી 12 ઘા માર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં રીમા અને નિલેશ વચ્ચે એક વર્ષથી પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું છે.હાલ મનીષા સારવાર હેઠળ હોય તેની પુછપરછ બાદ રૂમમાં શું થયું તે હકીકત સ્પષ્ટ થશે.હાલ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.