Updated: Oct 15th, 2023
– આધુનિક નવરાત્રી અને ફિલ્મી ગીતો ની ઘેલછા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ
સુરત, તા. 15 ઓક્ટોબર રવિવાર
સુરત શહેરમાં આધુનિક નવરાત્રી અને ફિલ્મી ગીતો ની ઘેલછા વચ્ચે પરંપરાગત ગરબા અડીખમ જોવા મળી રહી છે. આદુનિક સુરત શહેરમાં પહેલાના ગામતળ વિસ્તાર અને સૌરાષ્ટ્રીયન તથા મૂળ સુરતી વિસ્તારમાં આજે પણ પરંપરાગત ગરબા નું સ્થાન જોવા મળી રહ્યું છે. આવા વિસ્તારમાં માતાજીના મંદિરના પટાંગણમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને મહોલ્લા અને સોસાયટીના લોકો ભેગા મળીને પરંપરાગત ગરબા રમી માતાજીની આરાધના કરતા જોવા મળે છે.
સુરત શહેરના અડાજણ ગામ વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રી સિદ્ધેશ્વરી માતાજી ના મંદિરે છેલ્લા 50 વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે. આ વિસ્તારના યુવાનો દ્વારા બનેલું સિધ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ગરબાના આયોજનનું 50 મું વર્ષ છે. પરંતુ આ યુવક મંડળની એ ખાસિયત છે કે છેલ્લા 49 વર્ષથી માત્રને માત્ર પરંપરાગત ગરબા જ કરવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી ત્રણ પેઢી એક જ જગ્યાએ હિન્દુ પરંપરા મુજબ નવરાત્રીની ઉજવણી કરે છે.
વર્ષો પહેલાં સુરત શહેર નાનું હતું ત્યારે સુરતની બાજુમાં આવેલા અડાજણ ગામ શહેરથી અલગ કહેવાતું હતું. અડાજણના પટેલ મહોલ્લામાં શ્રી સિદ્ધેશ્વરી માતાજી ના મંદિરે 50 વર્ષ પહેલા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની આસપાસ ના ફળિયા તથા અન્ય વિસ્તારના લોકો આ મંદિરમાં ગરબા રમવા આવતા એટલું જ નહીં પરંતુ પહેલા લોકો ફળિયા ફળિયા માં ગરબા રમતા ત્યારે માટલી ( માતાજી) મુકતા હતા અને નવ દિવસ ગરબા રમીને દશેરાના દિવસે બધી માટલીઓ માતાજીના મંદિરે ભેગા થતા અને મુકતા હતા.
આ વર્ષે સિધ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા 50મી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપતાં તેજસ પટેલ કહે છે, અમારે ત્યાં ત્રણ પેઢી એક સાથે નવરાત્રી દરમિયાન ગરબા રમે છે. સાસુ- બહુ, મા- દિકરી, બાપ દિકરા અને પૌત્ર – પૌત્રી ભેગા મળીને પરંપરાગત ત્રણ તાળીના ગરબા રમે છે. ધર્મેશ પટેલ કહે છે, આ વર્ષે 50મી નવરાત્રીનું આયોજન છે તેથી અમે બેન્ડવાજા સાથે માતાજીની પ્રતિમા લેવા ગયા હતા. માતાજીની પ્રતિમા લેવા ગયા ત્યારે ગામના વડીલો અને બાળકો સાથે વાજતે ગાજતે માતાજીને લેવા માટે ગયા હતા. અમે પહેલાથી માતાજીની પ્રતિમા માટીની લાવીએ છીએ અને વિસર્જન પણ ,ઈકોફ્રેન્ડલી રીતે કરીએ છીએ. આ વિસ્તારમાં ત્રણ પેઢી એક સાથે ગરબા રમે છે તેવો દ્રષ્યો ભાગ્યે જ જોવા મળે છે.
નવરાત્રીમાં માતાજીની ભક્તિ માટે એક યુવાન ઓમનથી ખાસ આવ્યો
અડાજણના પટેલ મહોલ્લામાં શ્રી સિધ્ધેશ્વરી માતાજી ના મંદિરના પટાંગણમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રીનું આયોજન થાય છે. આ ગામના લોકો યુવાન વૃદ્ધ થઈ ગયા અને બાળકો યુવાન થઈ ગયા તેમ છતાં પરંપરાગત નવરાત્રિના આયોજન માં કોઈ બદલાવ આવ્યો નથી. આ ગામના લોકોને નવરાત્રી સાથે એવો લગાવ છે કે, લોકો હજારો કિલોમીટર દુરથી નવરાત્રી માટે અડાજણ આવે છે.
અડાજણમાં રહેતા અને મીકેનીકલ ઈજનેર થયેલો કૃપલ પટેલ નામનો યુવાન હાલ ઓમાન નોકરી છે દર વર્ષે તે નવરાત્રીના આયોજનમાં વિદેશથી પણ આયોજન કરે છે. આ વર્ષે કૃપલ પટેલને નવરાત્રી મંદિરના પટાંગણમાં જ કરવાનો નિર્ણય કર્યો હતો. ગામના યુવાનોએ પણ ઓમાન ખાતે તેમની કંપનીમાં વિનંતી કરી હતી અને કૃપલે પણ કંપનીમાં વિનંતી કરતાં તેને માત્ર દસ દિવસની રજા મળી છે. આજે તે સવારે કૃપલ સુરત નવરાત્રીની ઉજવણી માટે આવ્યા છે અને દશેરામાં વિસર્જન બાદ તે તરત ઓમાન જોબ માટે જતો રહેશે.