Updated: Oct 24th, 2023
ખાણી પીણીના શોખીન સુરતીઓનો સવારનો નાસ્તો બદલાઈ ગયો
આજે ખાસ દિવસે ફાફડા અને જલેબી નો ભાવ પણ ખાસ રહ્યો, ફાફડા 500થી 550 રૂપિયા તો ઘીની જલેબી 600 રૂપિયે કિલો હોવા છતાં ગ્રાહકોની ભારે ભીડ
સુરત, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર
ખાણી પીણીના શોખીન સુરતીઓની સવારના નાસ્તામાં મોટા ભાગે સેવ ખમણ કે ભજીયા અથવા ફાફડા હોય છે પરંતુ આજના દશેરાના દિવસે મોટા ભાગના સુરતીઓના નાસ્તા ની ડીશ માં ફાફડા જલેબી જોવા મળ્યા હતા. સુરતીઓએ સવારથી જ ફાફડા જલેબી ખરીદવા માટે અધીરા બન્યા હોવાથી ફાફડા અને જલેબી નું વેચાણ કરનારા વેપારીઓને તડાકો થઈ ગયો હતો. આજે વહેલી સવારથી ફાફડા જલેબીની લારીઓ, દુકાનો કે ફુટપાથ પર વેચાણ થતું હોય ત્યાં ગ્રાહકોની લાઈન જોવા મળી હતી.
ખાણી પીણીના શોખીન સુરતીઓ દરેક તહેવાર સાથે ખાણીપીણી ની જોડી દેતા હોય છે તેના કારણે સુરતમાં ખાણી પીણીનો ટેસ્ટ સારો હોય તે દુકાનદારને ત્યાં ભીડ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે ફાફડા અને જલેબીના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો છે. ગ્રાહકોના ઓર્ડરના કારણે અનેક વેપારીઓએ બે દિવસ પહેલાં જ ફાફડા જલેબીનું વેચાણ શરુ કરી દીધું હતું તેમાં પણ ગઈકાલે તો અનેક દુકાનો એવી હતી કે જ્યાં ગરબા રમ્યા બાદ લોકો ફાફડા જલેબીની જયાફત માટે પહોંચી ગયા હતા.
સુરતમાં ફાફડા અને જલેબી નું વેચાણ કરતી સંખ્યાબંધ દુકાનો પર આજે વહેલી સવારથી જ લાઈન જોવા મળી હતી. શહેરમાં ફાફડા જલેબીનું વેચાણ કરતી દુકાનો સાથે સાથે અનેક લારીઓ પર પણ ફાફડા જલેબીનું વેચાણ થાય છે. તો કેટલાક સીઝનલ ધંધો કરનારા લોકો પણ દશેરાના દિવસે ફાફડા અને જલેબી ના ધંધા પર હાથ અજમાવી લેતા હોય છે. તેના કારણે અનેક નાની દુકાનો કે મીઠાઈ નું વેચાણ કરતી ડેરીઓમાં પણ આજે દિવસ દરમિયાન ફાફડા જલેબીનું ધુમ વેચાણ થયું હતું.
આમ તો સુરતની અનેક દુકાનો પર રવિવારના રોજ ફાફડા માટે લાઈન લાગતી હોય છે પરંતુ આજે મંગળવારે દશેરા હોવાથી વેપારીને ડબલ ફાયદો થઈ ગયો છે. આજે વહેલી સવારથી જ હજારો દુકાન પર ગ્રાહકોની લાઈન જોવા મળી હતી. આજે ફાફડા અને જલેબી માટેનો ખાસ દિવસ છે તેના કારણે કેટલીક દુકાનો પર ફાફડાનો ભાવ સામાન્ય રીતે 4000 રૂપિયા હતો તે 500થી 550 સુધીનો કરી દેવામાં આવ્યો છે જ્યારે ઘીની જલેબી 600 રૂપિયા તો તેલની જલેબી 350 રૂપિયા નું વેચાણ કરવામાં આવ્યું હતું. આટલો ભાવ હોવા છતાં સુરતીઓ દશેરાના દિવસે ફાફડા જલેબી ઝાપટવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા અને તેના કારણે વેપારીઓને તડાકો થઈ ગયો છે.