Updated: Oct 25th, 2023
– પુણામાં ઓફિસ ધરાવતા લોકમોર્યા ન્યુઝ ચેનલ અને ફાસ્ટ ન્યુઝના ચેનલના પત્રકારોની કરતૂતઃ રૂ. 10 લાખની માંગણી કરી છેલ્લે રૂ. 4.51 લાખ તો આપવા જ પડશે કહી ધમકી આપી
– પ્લોટ અપાવનાર મોટા વરાછાના દિલીપ પેરીસની પણ ભૂંડી ભુમિકા, બે ની અટકાયત
સુરત
મોટ વરાછાના ખરી ફળીયમાં સરકારી ગૌચરની જમીન ઉપર મકાન બાંધકામ કર્યુ છે અને તેને બચાવવું હોય તો રૂ. 10 લાખ આપવા પડશે એમ કહી મકાન તોડાવી નાંખવાની ધમકી આપનાર લોકમોર્ચા દૈનિક ન્યુઝ ચેનલ અને ફાસ્ટ ન્યુઝ ચેનલના પત્રકાર સહિત ચાર વિરૂધ્ધ ઉત્રાણ પોલીસમાં કતારગામ જીઆઇડીસીના કારખાનેદારે ખંડણીની ફરિયાદ નોંધાવી છે.
મોટા વરાછાના વોરાજી ફળીયામાં સોના એપાર્ટમેન્ટમા રહેતા કારખાનેદાર પરસોત્તમ જાદવભાઇ મોરડીયા (ઉ.વ. 53 મૂળ રહે. હણોલ, તા. પાલીતાણા, ભાવનગર) એ વર્ષ 2017 માં મોટા વરાછાના ખરી ફળીયામાં દિલીપ ઉર્ફે દિલીપ પેરીસ શંકર પટેલ (રહે. ખરી ફળીયું, મોટા વરાછા) હસ્તક ખરીદેલા પ્લોટ ઉપર વર્ષ 2018-19 માં બાંધકામ કર્યુ હતું. દરમિયાનમાં ગત 5 ઓક્ટોબરે અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કહ્યું હતું કે હું લોકમોર્ચા દૈનિક ન્યુઝ ચેનલમાંથી પત્રકાર ધવલ બોલું છું, તમારૂ મોટા વરાછા ખરી ફળીયામાં જે મકાન છે તે સરકારી અને ગૌચરની જગ્યામાં છે, તેના ડોક્યુમેન્ટ્સ એક ભાઇએ આપ્યા છે અને બાંધકામ ગેરકાયદે છે, જેથી મકાન તોડાવી પડાવીશું એવી ધમકી આપી પુણા પોલીસ ચોકીની સામે પોતાની ઓફિસે મળવા બોલાવ્યો હતો. પરસોત્તમ તેના મિત્ર કાંતી ગાંગાણી સાથે ધવલને મળવા ગયો હતો જયાં ધવલે તેના અન્ય પત્રકાર મિત્ર નિકુંજ બકરીવાલા, ફાસ્ટ ન્યુઝ ચેનલના પત્રકાર પરવેઝ ખાન સહિત ત્રણનો પરિચય કરાવ્યા બાદ જો મકાન બચાવવું હોય તો રૂ. 10 લાખ આપવા પડશે એમ કહી ધમકી આપી હતી. જયારે પરવેઝે અમારી ચેનલ દિલ્હીથી ઓપરેટ થાય છે અને હું અહીંથી લાઇવ કરીશ તો દિલ્હી સુધી ન્યુઝ બતાવશે અને પછી તમારૂ મકાન કોઇ બચાવી શકશે નહીં અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થશે. જેથી પરસોત્તમ ડરી ગયો હતો અને ચારેક દિવસનો સમય માંગ્યો હતો. ચાર દિવસ બાદ ધવલે પુનઃ પરસોત્તમને કોલ કરી ઓફિસે મળવા બોલાવી મિલકતના કાગળ દિલીપ પેરીસે આપ્યા છે અને તેને પણ હિસ્સો આપવાનો છે એમ કહી રૂ. 5.50 લાખ માંગ્યા હતા અને ત્યાર બાદ વાતચીતના અંતે અમને દરેકને રૂ. 1 લાખ અને દિલીપને રૂ. 51 હજાર આપવા પડશે એમ કહી રૂ. 4.51 લાખની માંગણી કરી હતી અને પૈસા આપશો એટલે તમારૂ મકાન કોઇ તોડાવશે નહીં, બધી જવાબદારી અમારી રહેશે એમ કહી ધમકી આપી હતી. પોલીસે નિકુંજ બકરીવાલા અને વિપુલ ગૌસ્વામીની અટકાત કરી પૂછપરછ હાથ ધરી છે.