Updated: Oct 27th, 2023
– ટેમ્પો ચાલક આંજણા એચટીસી માર્કેટ 2 માંથી બ્લાઉઝનું કાપડ અને રીંગરોડ સુરત ટેક્ષટાઈલ માર્કેટમાંથી સાડીના પોટલા લઈ સોમેશ્વર માર્કેટમાં સાડીનું પોટલું લેવા ગયા હતા
– અડધો કલાક બાદ પરત ફર્યા ત્યારે ટેમ્પોમાંથી બંને પોટલા ચોરાયાની જાણ થઈ હતી
સુરત,તા.27 ઓક્ટોબર 2023,શુક્રવાર
સુરતના સલાબતપુરા સોમેશ્વર માર્કેટના ગેટની સામે ટેમ્પોમાંથી રૂ.55 હજારની મત્તાના બ્લાઉઝનું કાપડ અને સાડીના બે પોટલાની ચોરી થયાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં કાપોદ્રા ચીકુવાડી ઘર નં.256 માં રહેતો 24 વર્ષીય સંજય હીરામણ પારગી રીંગરોડ માર્કેટ વિસ્તારમાં ટેમ્પો (નં.જીજે-05-બીડબલ્યુ-5536 ) ચલાવે છે. ગત સોમવારે સાંજે તે આંજણા એચટીસી માર્કેટ 2 માં વેપારી મહેશભાઇની દુકાનેથી રૂ.44 હજારની મત્તાનું બ્લાઉઝનું 1100 મીટર કાપડનું પોટલું લસકાણા પહોંચાડવા માટે લઈ રીંગરોડ સુરત ટેક્ષટાઈલ માર્કેટ પહોંચ્યો હતો અને ત્યાં વેપારી મહેશભાઇની નેન્સી ફેશનની દુકાનમાંથી રૂ.10,920 ની મત્તાની 28 નંગ સાડીનું પોટલું લઈ સલાબતપુરા સોમેશ્વર માર્કેટમાં વેપારી પિયુષભાઈની દુકાનેથી સાડીનું પોટલું લેવા પહોંચ્યો હતો.
સંજયે ટેમ્પો માર્કેટના ગેટની સામે પાર્ક કર્યો હતો અને પોટલું લેવા ગયા બાદ અડધો કલાક બાદ તે પરત ફર્યો ત્યારે ટેમ્પોમાંથી રૂ.54,920 ની મત્તાના બ્લાઉઝનું કાપડ અને સાડીના બે પોટલાની ચોરી થયાની જાણ થઈ હતી. આ અંગે તેણે ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.