Updated: Nov 29th, 2023
– સુરત પાલિકાએ જાહેર રસ્તા પરથી દબાણ દુર થતાં લોકોને રાહત રાજકારણીઓને ઉપાધી
– પાલિકાએ કડકાઈથી દબાણ દૂર કરાતા કેટલાક રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું : ભૂતકાળની જેમ ગરીબોની રોજી રોટીના નામે દબાણ હટાવવાની ઝુંબેશ અટકાવવા ધમપછાડા
સુરત,તા.29 નવેમ્બર 2023,બુધવાર
સુરત મહાનગરપાલિકાએ જાહેર કરેલા 119 દબાણ રૂટમાંથી ગઈકાલે માત્ર નવ રટ પરથી દબાણ દુર કરવાની કામગીરી પાલિકાએ શરૂ કરી છે. પાલિકાએ કડકાઈથી જાહેર કરેલા નવ રૂટ પરથી દબાણ હટાવી દેતાં આ રોડ પર થતી રોજિંદી ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક હલ આવ્યો છે. જો આ દબાણ તથા અન્ય દબાણ પાલિકા કાયમી દુર કરે તો જાહેર કરેલા 119 ઝીરો દબાણ રૂટ પરથી ટ્રાફિકની સાથે સાથે સફાઈની સમસ્યા પણ કાયમી ઝોરી થઈ શકે છે. જોકે, પાલિકાએ દબાણ માટે કડકાઈ દાખવતા કેટલાક રાજકારણીઓ ના પેટમાં તેલ રેડાયું છે. ભૂતકાળની જેમ ગરીબોની રોજી રોટીના નામે દબાણ હટાવવાની ઝુંબેશ અટકાવવા ધમપછાડા કરી પાલિકાને દબાવવાનો પ્રયાસ પણ શરૂ થઈ ગયો છે.
સુરત મહાનગર પાલિકાએ ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે 121 જેટલા બ્રિજ બનાવ્યા અને લોકોની મિલ્કતો તોડીને રોડ પણ પહોળા કર્યા છતાં ટ્રાફિકની સમસ્યા ઘટવાના બદલે સતત વધી રહી છે. આ ટ્રાફિકની સમસ્યા માટે સૌથી વધુ જવાબદાર રોડ પર થતા ગેરકાયદે દબાણો છે. પાલિકા તંત્રએ આ દબાણની સમસ્યા દુર કરવા માટે 119 દબાણ રૂટ જાહેર કર્યા છે પરંતુ આ તમામ રૂટ પર દબાણ દુર કરવાની કામગીરી ઝીરો છે. આ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્રએ ગઈકાલે મોડી સાંજથી પહેલા તબક્કામાં 9 ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરી છે.
પાલિકાએ સુરતના નવ ઝોનમાં જાહેર કરેલા નવ ઝીરો દબાણ રૂટ પરથી કડકાઈથી દબાણ હટાવ્યા તેના કારણે આ દબાણ રૂટ પર રાત્રીના સમયે થતા એક પણ દબાણ જોવા મળ્યા નથી. આ દબાણને કારણે સમગ્ર રોડ પર સતત ટ્રાફિક રહેતો એટલું જ નહીં પરંતુ દબાણ કરનારાઓ દ્વારા થતી ગંદકીના કારણે સુરતની સફાઈની કામગીરી પર દાગ લાગી રહ્યો હતો. તે પણ ગંદકી પણ જોવા મળી ન હતી.
પાલિકાના નવ ઝોનમા આવેલા નવ ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવાની કામગીરી કાલે થઈ હતી અને હવે તબક્કાવાર 119 ઝીરો દબાણ રૂટ પર દબાણ દુર કરવા માટે પાલિકા આયોજન કરી રહી છે. મ્યુનિ. કમિશનરની સૂચનાથી ગઈકાલથી દબાણ કડકાઈથી દૂર થઈ રહ્યાં છે. ગઈકાલે રાત્રે પાલ આરટીઓ તરફથી દબાણ દુર કરવામાં આવ્યા તો દબાણ કરનારા પાલ ઉમરા બ્રિજ થી નિશાલ સર્કલ રોડ પર ગોઠવાઈ ગયા હતા. આ દબાણ દુર થાય તે પહેલા જ કેટલાક રાજકારણીઓએ ગરીબની રોજીરોટીની વાત શરૂ કરી દીધી છે.
આ દબાણ દુર કરવા સાથે સાથે લોકોએ રાહતનો શ્વાસ લેવાનું શરૂ કર્યું છે તો બીજી તરફ કેટલાક રાજકારણીઓએ કાગારોળ મચાવવાનું શરૂ કર્યું છે. ગરીબોની રોજીરોટી છીનવાઈ રહી છે નો આક્ષેપો શરૂ કરીને દબાણ હટાવવાની કામગીરીનો અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે, પાલિકા કમિશનર દબાણ દુર કરવાની કામગીરી કડકાઈથી કરે તે મુડમાં છે પરંતુ બીજી તરફ કેટલાક રાજકારણીઓ દબાણ મુદ્દે કાગારોળ મચાવી રહ્યાં છે. પાલિકા દબાણ દુર કરવાની કામગીરી બંધ કરે તો હાલ છે તેના કરતા વધુ દબાણ થઈ જશે અને ટ્રાફિકની સમસ્યા બેવડાઈ જશે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.