સુરતના વેપારી સાથે રૂ.35 લાખમાં ડીલ કરી હતી : ચાર વર્ષ અગાઉ વેપારીએ મર્સીડીઝ ખરીદવા ઓએલએક્સ પર સર્ચ કર્યું હતું ત્યારે અહેમદનગરના બાસીદ ખાન સાથે મિત્રતા થઈ હતી
બાસીદ ખાન મારફતે મિત્ર બનેલા અલી રઈશ અને દાનીશ શેખે હમર ગાડી વેચ્યા બાદ કાર બાબતે તેના માલિકે પોલીસ કેસ દાખલ કર્યો છે કહી કાર લઈ લીધી હતી
Updated: Dec 2nd, 2023
– સુરતના વેપારી સાથે રૂ.35 લાખમાં ડીલ કરી હતી : ચાર વર્ષ અગાઉ વેપારીએ મર્સીડીઝ ખરીદવા ઓએલએક્સ પર સર્ચ કર્યું હતું ત્યારે અહેમદનગરના બાસીદ ખાન સાથે મિત્રતા થઈ હતી
– બાસીદ ખાન મારફતે મિત્ર બનેલા અલી રઈશ અને દાનીશ શેખે હમર ગાડી વેચ્યા બાદ કાર બાબતે તેના માલિકે પોલીસ કેસ દાખલ કર્યો છે કહી કાર લઈ લીધી હતી
સુરત, : સુરતના ઉધના અંબર કોલોનીમાં રહેતા યુવાન વેપારીને રૂ.35 લાખની હમ્મર ગાડી વેચી રૂ.11.50 લાખ લીધા બાદ ત્રણ મિત્રોએ કાર બાબતે તેના માલિકે પોલીસ કેસ દાખલ કર્યો છે કહી કાર પરત લઈ જઈ પૈસા પણ પરત નહીં કરતા ઉધના પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના હરિનગર 1 અંબર કોલોની હસીના મંઝીલ ઘર નં.93 થી 95 માં રહેતા 37 વર્ષીય વેપારી અતિક રીઝવાન અહેમદ શેખે વર્ષ 2019 માં મર્સીડીઝ ખરીદવા ઓએલએક્સ પર સર્ચ કર્યું હતું ત્યારે અહેમદનગરના બાસીદ ખાન સાથે મિત્રતા થઈ હતી.બાદમાં કાર લે-વેચ બાબતેની વાતચીત દરમિયાન જ બાસીદ ખાન મારફતે તેની મિત્રતા મહંમદઅલી રઇસ શેખ ( રહે.નાગરે ચાલ, બુરુડ ગાવ રોડ, ભોસલે અખાડા, અહમદનગર, મહારાષ્ટ્ર ) અને દાનીશ હુસેન શેખ ( રહે.પુણે, મહારાષ્ટ્ર ) સાથે થઈ હતી.જુલાઈ 2020 માં ત્રણેયે હમ્મર ગાડી ( નં.એમપી-14-બીડી-0786 ) તેને રૂ.35 લાખમાં વેચી તેના રૂ.11.50 લાખ લઈ તેના ડીકયુમેન્ટ આપી કાર સોંપી હતી.
જોકે, થોડા દિવસ બાદ ત્રણેયે ફોન કરી કહ્યું હતું કે કારના માલિકે તેમના વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે.તમે ગાડી લઈ તાત્કાલિક આવો નહીંતર પોલીસ તમારા ઘરે આવી તમને લઈ જશે.ગભરાયેલા અતિક શેખે પુણે એક્સપ્રેસ હાઇવે પર તેમને કાર પરત કરી રૂ.11.50 લાખ પરત માંગ્યા ત્યારે ત્રણેયે બે મહિના બાદ છૂટીને આવ્યા બાદ આપવાનું કહ્યું હતું.જોકે, ત્યાર બાદ પૈસા પરત નહીં આપી ફોન ઉપાડવાનું બંધ કરી દેતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા અતિક શેખે પોલીસમાં અરજી કરી હતી.ઉધના પોલીસે અરજીના આધારે ત્રણેય વિરુદ્ધ ગતરોજ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.