Updated: Dec 3rd, 2023
વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે તો કઈ રીતે સારવાર કરવી
દર કલાકે 300 શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ માટે 10 ડમીનો ઉપયોગ
સુરત, તા. 03 ડિસેમ્બર 2023 રવિવાર
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી વૃદ્ધો સાથે યુવાનો અને બાળકોમાં પણ પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કેટલાક કિસ્સામાં પ્રાથમિક શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એટેક આવતા હોવાનું બહાર આવી રહ્યાં છે. આવા કિસ્સામાં વિદ્યાર્થીઓને બચાવવા માટે CPR ની ટ્રેનીંગ આપવાનું આજ થી શરૂ કરવામાં આવ્યું છે.
પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં બે મંત્રી સહિત ધારાસભ્ય તાલીમ માં હાજર રહ્યા હતા.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પોણા બે લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આવા વિદ્યાર્થીઓને શાળા દરમિયાન હાર્ટ એટેક આવે તો તેને કઈ રીતે બચાવી શકાય તે માટેની CPR ( કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) ની તાલિમ શરૂ કરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલના શિક્ષકોને સ્મીમેર હોસ્પિટલ ખાતે તબક્કાવાર ઝોન પ્રમાણે બોલાવીને તાલીમ શરૂ કરવામાં આવી છે. આજે ૨૪૦૦ શિક્ષકો ને તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે તાલીમ આપ્યા બાદ આગામી 17 ડિસેમ્બર ના રોજ બીજા તબક્કામાં બીજા શિક્ષકો ને તાલીમ અપાશે.
આજે તાલીમ શરૂ કરવામાં આવી છે તેમાં સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી હાજર રહ્યા હતા. તાલીમ માટે તૈયાર કરવામાં આવેલા ડમી પર જો વિદ્યાર્થીઓને એટેક આવે તો કઈ રીતે સારવાર કરી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.