ધરમપુરના વેપારી પુત્ર સાથે એપીએમસીમાં શાકભાજી વેચી પરત જતા હતા ત્યારે કડોદરા રોડ ઉપર મોપેડ સવારે આંતરી ઝઘડો કર્યો
એક્સીડન્ટનું તરકટ કરી ઝપાઝપી કરી વેપારીના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા હતા
Updated: Dec 7th, 2023
– ધરમપુરના વેપારી પુત્ર સાથે એપીએમસીમાં શાકભાજી વેચી પરત જતા હતા ત્યારે કડોદરા રોડ ઉપર મોપેડ સવારે આંતરી ઝઘડો કર્યો
– એક્સીડન્ટનું તરકટ કરી ઝપાઝપી કરી વેપારીના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા હતા
સુરત, : સુરતના સરદાર માર્કેટમાં શાકભાજી વેચી પુત્ર સાથે પોતાના ટેમ્પોમાં પરત જઈ રહેલા ધરમપુરના વેપારીને કડોદરા રોડ ભરત કેન્સર હોસ્પિટલ પાસે આંતરી મારી ગાડીને ટક્કર કેમ મારી કહી ઝઘડો કર્યો હતો.બાદમાં તે ઝપાઝપી કરી વેપારીના ખિસ્સામાંથી રૂ.42 હજાર સેરવી ફરાર થઈ ગયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વલસાડના ધરમપુર ખારવેલ ખાતે સ્કૂલ ફળીયામાં રહેતા 50 વર્ષીય ગણેશભાઇ નેમાભાઇ પટેલ પુત્ર શ્રેય ( ઉ.વ.21 ) સાથે ખેતીકામ કરી શાકભાજીનો વેપાર કરે છે.ગત મંગળવારે મળસ્કે પાંચ વાગ્યે ત્રણ વાગ્યે પિતા-પુત્ર ધરમપુરથી પોતાના ટેમ્પો ( નં.જીજે-20-વી-9160 ) માં શાકભાજી લઈ સુરતના સરદાર માર્કેટમાં આવ્યા હતા.સવારે શાકભાજી વેચતા આવેલા રૂ.42 હજાર ગણેશભાઈએ પોતાના પેન્ટના ડાબા ખિસ્સામાં મુક્યા હતા અને પિતા-પુત્ર ધરમપુર પરત જવા પોતાના ટેમ્પોમાં નીકળ્યા ત્યારે ટેમ્પો શ્રેય ચલાવતો હતો.જયારે ગણેશભાઈ ક્લીનર સાઈડ પર બેઠા હતા.11 વાગ્યે તેઓ સુરત-કડોદરા રોડ ભરત કેન્સર હોસ્પિટલની બાજુમાં શ્રીદેવનારાયણ ગ્રેનાઇટ એન્ડ માર્બલની સામે પહોંચ્યા ત્યારે મોપેડ પર આવેલા 20 થી 25 વર્ષના યુવાને શ્રેયને મારી ગાડીને ટક્કર કેમ મારી કહી ટેમ્પો અટકાવી ગણેશભાઈને નીચે ઉતાર્યા હતા.
ગણેશભાઈ નીચે ઉતરી તેની પાસે ગયા ત્યારે તે યુવાન મારી ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું છે, તેનો ખર્ચો લાવ કહી ઝઘડો કરવા લાગ્યો હતો.પણ તેને કોઈ ટક્કર લાગી ન હોય ગણેશભાઈએ અને શ્રેયે ખર્ચો આપવાની ના પાડતા તે શ્રેય સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.આથી ગણેશભાઈ તેને છોડાવવા વચ્ચે પડતા તે યુવાન મોપેડ લઈ ચાલ્યો ગયો હતો.પિતા-પુત્ર ટેમ્પો લઈ આગળ વધ્યા બાદ વેડછા પાટીયા પાસે વોશરૂમ જવા રોકાયા ત્યારે ગણેશભાઈને પેન્ટના ખિસ્સામાં મુકેલા રોકડા રૂ.42 હજાર નહીં મળતા તેની ચોરી મોપેડ સવાર યુવાને કરી હોવાની જાણ થઈ હતી.આ અંગે ગણેશભાઈએ ગતરોજ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જે.એન ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.