ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા આહવાન વડા પ્રધાને કર્યું
સુરત, તા. 17 ડિસેમ્બર 2023 રવિવાર
સુરતમાં ૩૪૦૦ કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ બિલ્ડીંગ ‘સુરત ડાયમંડ બુર્સ’ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લુ મુકવા સાથે આ ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સુરતની ભવ્યતામાં ડાયમંડ બુર્સ ના રૂપમાં આજે વધુ એક ‘ડાયમંડ નો ઉમેરો થયો છે તેમ કહ્યું હતું. આગામી સમયમાં ભારતને વિશ્વની ત્રીજા ક્રમની અર્થવ્યવસ્થા બનાવવા અને વિકસિત ભારતના નિર્માણ માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા વડા પ્રધાને આવાહન કર્યું હતું.
સુરતના ખજોદ વિસ્તારમાં 3400 કરોડના ડાયમંડ બુર્સને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા મૂકીને વડા પ્રધાને બુર્સને હીરા ઉદ્યોગના વિકાસ ને બુસ્ટ આપતું અપ્રતિમ સાહસ ગણાવ્યું હતું. તેઓએ બુર્સની અદ્યતન ઈમારતને દુનિયાની તમામ શ્રેષ્ઠ ઈમારતોને ઝાંખી પાડે છે તેમ કહ્યું હતું અને આ ઈમારત માટે દેશના આર્કિટેક્ચર, પર્યાવરણ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના અભ્યાસનું કેન્દ્ર બની શકે છે તેમ પણ કહ્યું હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે,, મેડ ઈન ઈન્ડિયા’ એક પ્રભાવશાળી અને સશક્ત બ્રાન્ડ બની ગઈ છે તેનું સીધું ઉદાહરણ આ ડાયમંડ બુર્સ છે. બિલ્ડીંગ ભારતીય ડિઝાઇન, ભારતીય કોન્સેપ્ટ, ભારતીય ઈજનેરી અને સ્થાપત્ય કલા અને આત્મનિર્ભરતાના પ્રતીકના રૂપમાં ઉભરી છે. ડાયમંડ બુર્સ દેશના અર્થતંત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થશે. પંચતત્વ, લેન્ડસ્કેપિંગ, સ્ટેટ ઓફ ધ આર્ટ ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ વિશ્વ માટે પ્રેરક બનશે. ડાયમંડ ઉદ્યોગ માટે સ્પેશ્યલ નોટીફાઈડ ઝોન બનાવવાની જાહેરાત કરી હતી, જેના પરિણામે ડાયમંડ બુર્સ જેવી વૈશ્વિક ડાયમંડ કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવવાના બીજ રોપાયા હતા અને ડ્રીમ સિટી અંતર્ગત વર્ષ ૨૦૧૫માં બુર્સનો પાયો નંખાયો હતો.
વડા પ્રધાને વધુમાં જણાવ્યું હતું, આ બુર્સ થકી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસની ભાવના સાકાર થઈ રહી છે. આ પ્રોજેક્ટના કારણે કારીગરો, વ્યાપારીઓ, ઉદ્યોગપતિઓ અને ખરીદદારો માટે સુરત ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર બનશે. સુરતમાં એક જ સ્થળે, એક જ છત્ર નીચે રફ અને પોલિશ્ડ ડાયમંડ નું સૌથી મોટું માર્કેટ મળશે. આ બુર્સના પ્રોજેક્ટ સાથે સાથે સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ નો દરજ્જો મળ્યો છે તેના કારણે હીરા ઉદ્યોગની સાથે સુરતની ડાયમંડ અને જ્વેલરી કંપનીઓ, લેબગ્રોન ડાયમંડ કંપનીઓને નિકાસમાં તેમજ બિઝનેસમાં સીધો ફાયદો મળશે.
આજે જે ડાયમંડ બુર્સનું લોકાર્પણ થયું છે તેના કારણે વર્ષે બે લાખ કરોડનો બિઝનેસ અને દેશ વિદેશના બાયર્સ, સેલર્સનું સુરતમાં આગમન થશે. આવી સ્થિતિમાં સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદેશી ભાષા શીખી સંવાદ કરી શકે એ માટે યુવા વિદ્યાર્થીઓ માટે લેન્ગવેજ ઇન્ટરપ્રિટેશન કોર્સ શરૂ સુચન વડાપ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું. જે વૈશ્વિક માહોલ ભારત તરફી છે. વિદેશો ભારત પ્રત્યે આદર સન્માન અને આશાની નજરે જોઈ રહ્યું છે, ત્યારે આ વૈશ્વિક સાનુકૂળ માહોલમાં દેશની પ્રગતિ માટે સૌને ભાગીદાર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે ભારતને આગામી પાંચ વર્ષમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બનાવવા, ફાઈવ ટ્રિલિયન ઈકોનોમી તેમજ વિકસિત ભારત બનાવવા માટે ભારતીય હીરા ઉદ્યોગ, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.