સાતવલ્લા બ્રિજ પસાર કરી રહેલા મોપેડ સવાર યુવકને દોરી વાગી
ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
Updated: Dec 18th, 2023
Kite Strings Accident : ઉત્તરાયરમાં હજુ એક મહિનો બાકી છે અને પતંગ રસિકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે સુરતથી એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરીએ મોપેડ સવાર યુવકનું ગળું કાપી નાખ્યું હતું. યુવકને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત સાંજે બનેલી આ ઘટના બાદ યુવકને નજીકના દવાખાને પ્રાથમિક સારવાર અપાઈ હતી, ત્યારબાદ તેને ઘરે મોકલી દેવાયો હતો. જોકે, ગળાના ભાગ પર ગંભીર રીતે પતંગની દોરી વાગી હતી અને તેની હાલત બગડતા તેને આજે ફરી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પીડિત મોહન ભીમરાવ સાતપુતે કહ્યું કે, તેઓ નવાગામના દીપાલી પાર્કમાં રહે છે અને ઉધનામાં આવેલા બાઇકના શો રૂમમાં મિકેનિક તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે, તે નવસારીથી નવાગામ જતો હતો. નજર સામે સાતવલ્લા બ્રિજ પર પતંગની દોરી દેખાતા જ બ્રેક મારી દેતા જીવ બચી ગયો હતો.
યુવકને થયેલી ઈજા અંગે મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, યુવાનના ગળાના ભાગ પર 5 સે.મી લાંબો ચીરો છે, પરંતુ ઘા ઊંડો ન હોવાથી તેનો જીવ બચી ગયો છે.
જીવલેણ દોરીથી આવી રીતે બચો
વાહન ચલાવો તો પૂરતી સુરક્ષા રાખો. ગળે મફલર કે રૂમાલ વીંટાળો. યુવતીઓ માટે આવા દિવસોમાં દુપટ્ટા આર્શીવાદરૂપ બની જતા હોય છે. ત્યારે પુરુષોએ પણ ગળાને જાડો રુમાલ અથવા મફલર બાંધીને જ વાહન ચલાવવું જોઇએ. ગળુ અને નાક બિલકુલ ખુલ્લુ ન રાખો. બને ત્યા સુધી આખુ મોઢુ ઢાંકીને નીકળવું. ટુ-વ્હીલર પર નાના બાળકને આગળ ઉભુ રાખવાની ભૂલ ના કરશો. તેમનું પણ મોઢુ અને ગળુ ઢાંકીને બેસાડો.
બ્રિજ પસાર કરતા સમયે ખાસ ધ્યાન રાખો
શહેરોમાં આવેલા બ્રિજ પરથી પસાર થતાં સમયે ખુબ જ સાવચેતી રાખવાની જરૂર છે. સામાન્ય રીતે બ્રિજની ઉંચાઈ અગાશીઓની સમાન હોવાથી બ્રિજ પાસેથી દોરા પસાર થવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે. તેથી બ્રિજ પર ગાડી ધીમે ધીમે જ ચલાવો. આ દિવસોમાં શહેરમાં વાહનની સ્પીડ બને એટલી ઓછી રાખો. ઝડપી વાહનમાં જો દોરો પાસેથી પસાર થાય તો તે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે.
ચાઈનીઝ દોરા ન ખરીદો અને જાણીતા લોકોને પણ તેનાથી પતંગ ન ચગાવવા દો
આમ તો ચાઇનીઝ દોરા અને તુક્કલ પર સરકારે પ્રતિબંધ જાહેર કર્યો છે તેમ છતા કેટલાક લોકો કાયદાની વિરુદ્ધ દોરા ખરીદીને તેનાથી ઉડાવતા હોય છે. તેવામાં જો કોઈ વાહન ચાલક આ જીવલેણ દોરામાં ફસાય તો તેના રામ જ રમી જાય છે. માટે એક વાતની આજે જ મનમાં ગાંઠ વાળી લો. કે ચાઇનીઝ દોરાથી આ વખતે તમે જ નહીં તમારા ઓળખીતાઓ-પાળખીતાઓને પણ પતંગ ઉડાડવા નહીં દો.