ભ્રષ્ટ અધિકારી સામે વેપારીઓએ બાંય ચડાવી..

by Radhika
0 comment 3 minutes read

મુંબઈ: દાદર વિસ્તારના વેપારીઓએ સ્થાનિક વૉર્ડ ઓફિસર પ્રશાંત સકપાળ સામે બાંયો ચડાવી છે અને આ ભ્રષ્ટ અધિકારીને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા પ્રકરણમાં દાદર પરિસરમાં ગેરકાયદે ફેરિયાઓ દ્વારા કરવામાં આવતી ગંદકીને માટે વેપારીઓને દંડવાની ખોટી દાનત દાખવીને દુકાનદારોને નોટિસ મારી છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાંના પણ તેમના બધા જ કાર્યકાળ વિવાદમાં રહ્યા છે અને તેમ છતાં પાલિકા આ અધિકારીને પોષી રહી છે, એવો આક્ષેપ કરતાં દાદરના વેપારીઓએ રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને આ અધિકારીની ફરિયાદ કરી છે.

જી-નોર્થના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રશાંત સકપાળના ભ્રષ્ટ કારભારથી દાદરના વેપારીઓ એટલી હદ સુધી કંટાળી ગયા છે કે તેમની વિરુદ્ધ હવે સીધો મોર્ચો કાઢવાનું અને તેમને હટાવવાની જ સીધી માગ કરવાનું નક્કી કર્યું છે તાજેતરમાં પ્રશાંત સકપાળે જી-ઉત્તર વોર્ડમાં તમામ દુકાનદારોને આપેલા આદેશ બાબતે દાદર વ્યાપારી સંઘના પ્રેસિડન્ટ સુનિલ શાહે જણાવ્યું હતું કે દુકાનની બહાર રસ્તા પર અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે અંડિગો જમાવી બેસેલા ફેરિયાઓ દ્વારા ગંદકી કરવામાં આવતી હોય છે.

આ લોકોને પાલિકાએ હટાવવા જોઈએ તેના બદલે ઊલટાનું અમને કચરો કરવો નહીં કહીને ધમકાવવામાં આવી રહ્યા છે. વધુમાં સુનિલ શાહે કહ્યું હતું કે રસ્તા પર કચરો ફેંકો નહીં એવો આદેશ વેપારીઓને બદલે ગેરકાયદે બેસતા ફેરિયાઓ અને ખાદ્યપદાર્થ વેચનારા ફેરિયાઓેને આપવો જોઈએ. ત્યારે ઊલ્ટા ચોર કોતવાલ કો ડાંટે એમ આ અધિકારી અમને ધમકાવી રહ્યો છે. દુકાનદારો તમામ પ્રકારના ટૅક્સ ભરેે અને રાજ્યસરકાર પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ સંભાળે છે, તેની સામે ફેરિયાઓ કોઈ પણ કર નહીં ભરતા કાયદાનું ઉલ્લંઘન કરીને વેપાર કરી રહ્યા છે, છતાં આ અધિકારી અમને જ દંડવાની વાત કરી રહ્યો છે.

દાદર વ્યાપારી સંઘના પદાધિકારીઓના કહેવા મુજબ એક મહિનાથી દાદર(પશ્ચિમ)માં બેસેલા ફેરિયાઓને હટાવવાનું નાટક વોર્ડ ઑફિસ દ્વારા કરવામાં આવ્યું. થોડા સમય પછી પાછા ફેરિયાઓ બેસી જાય છે. તેમના આવા નાટકમાં દુકાનદારોને પણ હેરાનગતીનો સામનો કરવો પડી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રેલવે સ્ટેશન, સ્કૂલ, કૉલેજ, પ્રાર્થના સ્થળ ફેરિયામુક્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે, છતાં આ વિસ્તારમાં બેસેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે વેપારીઓની સીધી લડત આ ભ્રષ્ટ ઓફિસરને હટાવવાની જ રહેશે. દાદર વ્યાપારી સંઘ સાથે જોડાયેલા એક વેપારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે મુંબઈમાં સૌથી પહેલા પ્રાયોગિક ધોરણે ત્રણ મહિના માટે વેલેટ પાર્કિંગની યોજના અમારા સંઘે શરૂ કરી હતી.

અગાઉના વોર્ડ ઓફિસરે આ યોજના અમલમાં મૂકવામાં અમને બહુ મદદ કરી. તેમની ટ્રાન્સફર બાદ આ વૅલેટ પાર્કિંગની યોજના ચાલુ રાખવા અનેક વખત અમે જી-ઉત્તર વોર્ડમાં પત્ર લખ્યા પણ અમને તેમની તરફથી કોઈ જવાબ મળ્યો જ નથી. અનેક વખત તેમને મળવાના પ્રયાસ કર્યા, છેવટે જ્યારે તેમની મુલાકાત થઈ તો બેશરમ થઈને અધિકારીએ સીધું એવું જ કહ્યું કે‘ગીવ ઍન્ડ ટેક’માં માનું છું, કહીને અમારી આ યોજનાને હજી સુધી મંજૂરી જ આપી નથી.

દાદર વ્યાપારી સંઘ આ અધિકારીથી એટલો કંટાળી ગયો છે કે નાછૂટકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખવાની ફરજ પડી છે. સંઘે આ અધિકારી ભ્રષ્ટ હોવાની ફરિયાદ કરતાં મુખ્ય પ્રધાનને આ પ્રશ્ર્ને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. સંઘના અધ્યક્ષ સુનીલ શાહે કહ્યું હતું કે નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસે આશ્વાસન આપ્યું હતું કે વેપારીઓને કનડગત કરવામાં આવશે નહીં, પરંતુ જી-ઉત્તરના અધિકારી દ્વારા વેપારીઓની છડેચોક હેરાનગતી જ કરવામાં આવી રહી છે, તેથી અમારી સીધી લડત હવે આ અધિકારીને હટાવવા માટે જ કરવી પડવાની છે. અમે આ અધિકારીને હટાવીને જ રહીશું. દાદર વ્યાપારી સંઘ દ્વારા કરવામાં આવતી હેરાનગતી બાબતે  દ્વારા પ્રશાંત સપકાળનો સંપર્ક કરવાનો અનેક વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો, છતાં તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.

You may also like

Leave a Comment