પબ્લિક સેક્ટર કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)ના ચેરમેન પ્રમોદ અગ્રવાલે સોમવારે જણાવ્યું હતું કે કોલસાના ભાવમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે અને આ સંબંધમાં હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે.
અગ્રવાલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કંપની 2025-26 સુધીમાં એક અબજ ટન ઉત્પાદન લક્ષ્ય હાંસલ કરશે. તેમણે કહ્યું, “તમામ સંજોગો કોલસાના ભાવમાં વધારો કરવાના પક્ષમાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ભાવ વધ્યા નથી. આ વર્ષે પગાર અંગે પણ વાટાઘાટો કરવામાં આવી રહી છે જેની અસર કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય પર પડશે ખાસ કરીને કેટલીક પેટાકંપનીઓમાં જ્યાં માનવ સંસાધનનો ખર્ચ ઘણો વધારે છે.
એમજંક્શન દ્વારા આયોજિત કોલ માર્કેટ કોન્ફરન્સમાં બોલતા, અગ્રવાલે કહ્યું, “જો કિંમતો નહીં વધારવામાં આવે તો ઘણી સમસ્યાઓ ઊભી થશે. હિતધારકો સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ પગલું ભરવામાં આવશે.
એક અબજ ટન ઉત્પાદન લક્ષ્ય વિશે તેમણે કહ્યું કે તે 2025-26 સુધીમાં હાંસલ કરવામાં આવશે, જોકે લક્ષ્ય હાંસલ કરવું એ દેશની જરૂરિયાત અને ખાનગી ક્ષેત્રના વિકાસ પર નિર્ભર રહેશે. તેમણે માહિતી આપી હતી કે કંપની ભૂગર્ભ કોલસાનું ઉત્પાદન વર્તમાન 25-30 મિલિયન ટનથી વધારીને 2030 સુધીમાં 100 મિલિયન ટન કરવા માંગે છે.