ભુતકાળમાં મિત્ર નિરાલી સરવૈયા સાથે બનેલા બનાવમાં રૂ.25 થી 30 લાખ આપી સમાધાન કરવા ચાર અજાણ્યાએ કહી બબાલ કરી
ડોક્ટરની પત્નીને ચપ્પુ પણ બતાવ્યું : ઝપાઝપીમાં ડોક્ટરની ચેઈન પણ પડી ગઈ
Updated: Jan 13th, 2024
– ભુતકાળમાં મિત્ર નિરાલી સરવૈયા સાથે બનેલા બનાવમાં રૂ.25 થી 30 લાખ આપી સમાધાન કરવા ચાર અજાણ્યાએ કહી બબાલ કરી
– ડોક્ટરની પત્નીને ચપ્પુ પણ બતાવ્યું : ઝપાઝપીમાં ડોક્ટરની ચેઈન પણ પડી ગઈ
સુરત, : સુરતના અમરોલી ખાતે ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા વરીયાવ ગામના ડોક્ટર ગતરાત્રે પાલ ગૌરવપથ પર પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા ત્યારે ભુતકાળમાં મિત્ર નિરાલી સરવૈયા સાથે બનેલા બનાવમાં રૂ.25 થી 30 લાખ આપી સમાધાન કરવા ચાર અજાણ્યાએ ધમકી આપી કારમાં તોડફોડ કરી તેમના પત્નીને પણ ચપ્પુ બતાવ્યું હતું.આ અંગે ડોકટરે પાલ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ન્યુ કતારગામ વરીયાવ ગામ ખાતે નંદનિકેતન સોસાયટી ઘર નં.52 માં રહેતા 35 વર્ષીય ડો.રીતેશ ગુણવંતભાઈ જીકાદરા અમરોલી ચાર રસ્તા ખાતે ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવે છે.ગતરાત્રે તે પત્ની શોભા, બે બાળકો તેમજ હોસ્પિટલમાં મેનેજમેન્ટમાં કામ કરતા ધર્મેશભાઈ ચૌધરી અને તેમના પરિવાર સાથે પોતાની કાર ( નં.જીજે-05-આરએસ-5222 ) માં પહેલા કતારગામ ખાતે ઢોસા ખાવા ગયા હતા.ત્યાંથી તેઓ બાળકોને રમાડવા પાલ ગૌરવપથ સ્થિત ફેન્ટેસીયામાં જઈ 10 વાગ્યે ઘરે પરત જતી વખતે થ્રિ સ્ટાર મટકા ચા ની ગલીમાં ઠંડુ લઈ કારમાં બેસેલા હતા ત્યારે ડો.રીતેશ તરફના દરવાજા પાસે એક અજાણ્યાએ આવી તેમનું નામ પૂછી બહાર આવવા કહ્યું હતું.ડો.રીતેશે જે હોય તે બોલવા કહેતા તે વ્યક્તિએ ભુતકાળમાં મિત્ર નિરાલી સરવૈયા સાથે બનેલા બનાવમાં રૂ.25 થી 30 લાખ આપી સમાધાન કરવા કહ્યું હતું.
ડો.રીતેશે પૈસા આપવાની ના પાડતા તે વ્યક્તિએ ગાળો આપી તમાચો મારી દીધો હતો.તે સમયે અન્ય એક વ્યક્તિ લાકડાનો ડંડો લઈ આવ્યો હતો અને બંનેએ મારવા માંડયું હતું.તેમની સાથેના બે અજાણ્યા કારનો પાછળનો દરવાજો બંધ કરીને ઉભા રહ્યા હતા.જેથી કોઈ બહાર નીકળી શકે નહીં.બાદમાં તમામે કારના આગળ-પાછળના કાચ તોડી ડો.રીતેશની પત્નીને ચપ્પુ બતાવ્યુ હતું.ઝપાઝપી દરમિયાન ડો.રીતેશની સોનાની ચેઇન પણ ત્યાં પડી ગઈ હતી.બનાવ અંગે બાદમાં ડો.રીતેશે કાઠીયાવાડી બોલતા અને મોઢા પર રૂમાલ બાંધી આવેલા ચાર અજાણ્યા વિરુદ્ધ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસે નિરાલી સાથે કયો બનાવ બન્યો હતો તે અંગે પણ તપાસ શરૂ કરી છે.