મ્યુનિ. તંત્ર સીટી લિન્ક સાથે મિટિંગો કરે છે બીજી તરફ
ફ્રેન્ડ સાથે અમરોલીની 20 વર્ષીય માસુમ BRTS માંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે બસ પાછળથી ટક્કર માર્યા બાદ વ્હીલ ફરી ગયું
Updated: Dec 26th, 2023
– મ્યુનિ. તંત્ર સીટી લિન્ક સાથે મિટિંગો કરે છે બીજી તરફ
– ફ્રેન્ડ સાથે અમરોલીની 20 વર્ષીય માસુમ BRTS માંથી ઉતરી રોડ ક્રોસ કરતી હતી ત્યારે બસ પાછળથી ટક્કર માર્યા બાદ વ્હીલ ફરી ગયું
સુરત, : કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસના ચાલકે અકસ્માત સર્જતા એક વ્યક્તિના મોત અને આઠ વ્યક્તિને ઈજાના બનાવની ઘટના હજુ તાજી છે તેવા સમયે બેફામ BRTS બસ ચાલકે ડુમસ રોડ પર રસ્તો ક્રોસ કરતી યુવતીને અડફટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અમરોલી જીવન જ્યોત હોસ્પિટલ પાસે જલાદર્શન એપાર્ટમેન્ટ ઘર નં.ઈ/304 માં રહેતા અને આઈસ્ક્રીમ એજન્સીમાં ટેમ્પો ડ્રાઈવર 47 વર્ષીય મહેશભાઇ અંબાલાલ પટેલની 20 વર્ષીય પુત્રી માસુમ ડીમાર્ટમાં નોકરી કરે છે.ગત સવારે 11 વાગ્યે માસુમ તેની ફ્રેન્ડ નિધિ સિંહ સાથે ડુમસ રોડ સ્થિત વી.આર.મોલમાં ફરવા ગઈ હતી.12 વાગ્યે ત્યાં પહોંચેલી બંને ફ્રેન્ડ મોલમાં કલાક ફર્યા બાદ ઘરે પરત જવા માટે મોલની સામેના બીઆરટીએસ સ્ટેન્ડ પરથી બસમાં બેસીને નીકળી હતી.જોકે, રસ્તામાં તેમને ભૂખ લાગતા બંને અઢી વાગ્યે તેઓ લાન્સર આર્મી સ્કુલની સામે બસમાં ઉતરી રોડ ક્રોસ કરતા હતા ત્યારે પાછળથી આવતી બીઆરટીએસ બસ ( નં.જીજે-05-બીએક્સ-2630 ) ના ચાલકે ટક્કર મારતા માસુમ નીચે પડી ગઈ હતી અને બસનું વ્હીલ તેના પર ચઢી ગયું હતું.
વ્હીલ ફરી વળતા માસુમને પાંસળીના ભાગે, ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ચહેરા પર પણ ઈજા થઈ હતી.બસ ચાલક થોડીવાર ત્યાં ઉભો તો રહ્યો હતો પણ માસુમને હોસ્પિટલ લઈ જવાને બદલે બસ લઈ ચાલ્યો ગયો હતો.માસુમને ફ્રેન્ડ નિધિ રીક્ષામાં નજીકની સનસાઈન હોસ્પિટલમાં લઈ ગઈ હતી.અકસ્માત અંગે જાણ થતા માસૂમના પિતા હોસ્પિટલ દોડી ગયા હતા અને માસુમને વધુ સારવાર માટે કિરણ હોસ્પિટલમાં લઈ ગયા હતા.બનાવ અંગે મહેશભાઈની ફરિયાદના આધારે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.વધુ તપાસ વુમન પીએસઆઈ યુ.સી.ડામોર કરી રહ્યા છે.