Updated: Jan 5th, 2024
– ધો. 8 માં ભણતી પુત્રી આઇસ્ક્રીમ લઇ પરત ઘરે જતી હતીઃ અશ્લીલ હરકત કરનાર સોસાયટીમાં ઘુસી ગયો હતો, સીસીટીવીના આધારે તપાસ
સુરત
સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની આઇસ્ક્રીમ લઇને ઘરે જઇ રહેલી ધો. 8 માં અભ્યાસ કરતી પુત્રીનો પીછો કરી સોસાયટીમાં ઘુસી જઇ તારી છાતીનું માપ કેટલું છે તેવું પુછી જાહેરમાં બિભત્સ હરકત કરનાર મોપેડ સવાર વિરૂધ્ધ અઠવાલાઇન્સ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી પુત્રી તેના ધો. 5 માં અભ્યાસ કરતો પુત્ર રાબેતા મુજબ બે દિવસ અગાઉ સ્કૂલેથી પરત ઘરે આવ્યા હતા. માતા પારિવારીક કામ અર્થે ઉદવાડા ગઇ હતી જયારે પિતા પાલ વિસ્તારમાં કામ ગયા હતા. દરમિયાનમાં 3 વાગ્યાના અરસામાં ધો. 8 માં અભ્યાસ કરતી તરૂણી રહેણાંક સોસાયટીના નાકા ઉપર અમુલ પાર્લરમાં આઇસ્ક્રીમ લેવા ગઇ હતી. આઇસ્ક્રીમ લઇ પરત આવી રહી હતી ત્યારે રસ્તામાં મોપેડ સવાર યુવાને તરૂણીનો પીછો કરવાનું શરૂ કર્યુ હતું. શરૂઆતમાં યુવાનની હરકતથી અજાણ હતી પરંતુ યુવાને તારી છાતીનું માપ કેટલું છે ? તેવું પુછતા સોસાયટીમાં ઘુસી ગયો હતો જેથી તરૂણી ડરી ગઇ હતી અને યુવાનની બિભત્સ હરકતનો ઇન્કાર કરી ઝડપથી પોતાના રહેણાંક તરફ ચાલી ગઇ હતી. મોપેડ સવાર અજાણ્યા યુવાનની હરકતથી ડરી જનાર તરૂણીએ તુરંત જ તેની માતાને ફોન કર્યો હતો અને માતાએ પિતાને જાણ કરતા તેઓ તુરંત જ ઘરે દોડી આવ્યા હતા. ગર્વમેન્ટ અધિકારીએ પોતાની પુત્રી સાથે જાહેરમાં થયેલી હરકત અંગે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં અંદાજે 40 વર્ષીય યુવાન સોસાયટીની અંદર ઘુસી તરૂણી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા નજરે પડયો હતો. જેને પગલે ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કેન્દ્રિત કરી છે.