રીક્ષાવાળો સોનુ ઉર્ફે સોનુ બિહારી મોપેડ પર ફરીને દારૂ વેચતો હતો, 11 ગુનામાં ઝડપાયેલો છે
શ્રીરામનગરમાં મીની ફેક્ટરી ઝડપાઈ હતી
Updated: Jan 2nd, 2024
– રીક્ષાવાળો સોનુ ઉર્ફે સોનુ બિહારી મોપેડ પર ફરીને દારૂ વેચતો હતો, 11 ગુનામાં ઝડપાયેલો છે
– શ્રીરામનગરમાં મીની ફેક્ટરી ઝડપાઈ હતી
સુરત, : ભંગારવાળા પાસે વ્હીસ્કીની ખાલી બોટલ ખરીદી નંદુરબારથી લાવેલા આલ્કોહોલ મિશ્રિત કેમિકલને ભરી ડીંડોલી શ્રીરામનગરની મીની ફેક્ટરીમાં બનતી હલકી કક્ષાની વ્હીસ્કી વેચનાર રીક્ષા ચાલકને ડીંડોલી પોલીસે બે મહિના બાદ ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ડીંડોલી વિસ્તારના ચાર વર્ષ અગાઉના ચકચારી હત્યાકેસના આરોપી સંદીપ ઉદયરાજ યાદવે જેલમાંથી જામીન પર છૂટી એક મહિનાથી સાગરીત વિક્રમ રાજબહાદુર યાદવ સાથે મળી ડીંડોલી શ્રીરામનગરના એક ઘરમાં શરૂ કરેલી હલકી કક્ષાની વ્હીસ્કી બનાવવાની મીની ફેક્ટરી પર એલસીબી ઝોન ર સ્ક્વોડે ગત 3 નવેમ્બર, 2023 ના રોજ રેઈડ કરી બંનેને ઝડપી લીધા હતા.એલસીબી ઝોન ર સ્ક્વોડે આલ્કોહોલ મિશ્રિત કેમિકલ, અન્ય સામાન સપ્લાય કરનાર રાહુલ અને સુરતમાં મોપેડ પર જઈ દારૂ વેચનાર સોનુ બિહારીને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.71,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.બાદમાં પોલીસે રાહુલને પણ ઝડપી પાડી ત્રણેયને જેલ હવાલે કર્યા હતા.
દરમિયાન, ડીંડોલી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને સ્ટાફે મળેલી બાતમીના આધારે મધુરમ સર્કલ કેનાલ રોડ પાસેથી વોન્ટેડ સોનું ઉર્ફે સોનું બિહારી કામેશ્વર શર્મા ( ઉ.વ.22, રહે.ઘર નં.218, આરાધના સોસાયટી વિભાગ-01, જોલવા ગ્રામ પંચાયતની બાજુમાં, તા.પલસાણા, જી.સુરત. મૂળ રહે.ઉત્તર પ્રદેશ ) ને ઝડપી લીધો હતો.રીક્ષા ચાલક બની સુરતમાં ફરતો અને લીંબાયત અને ગોડાદરામાં પ્રોહીબીશનના 11 ગુનામાં ઝડપાયેલો સોનુ બિહારી મોપેડ પર ફરી શ્રીરામનગરની મીની ફેક્ટરીમાં બનતી હલકી કક્ષાની વ્હીસ્કી વેચતો હતો.પોલીસે તેને પણ જેલ હવાલે કર્યો છે.