સુરતના હીરા વેપારીએ રામમંદિરની થીમ પર હીરાનો હાર બનવ્યો
હારમાં અમેરીકન હીરા ઉપરાંત બે કિલો ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો
Updated: Dec 19th, 2023
Ram Mandir Necklace: અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુરતના એક હીરા વેપારીએ રામમંદિરની થીમ પર હીરાનો હાર બનવ્યો. આ સમગ્ર ડીઝાઈનમાં 5000 જેટલા અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીરા વેપારી રામ મંદિરમાં તે હાર ભેટ સ્વરૂપે આપશે.
હારમાં અમેરીકન હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ
રસેશ જ્વેલર્સના કૌશિક કાપડિયાએ જણાવ્યું હતું કે, રામ મંદિરની થીમ પર હીરાનો હાર બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર ડીઝાઇનમાં 5000 અમેરિકન હીરાનો ઉપયોગ થયો છે. આ હાર વેચાણ માટે નહી પણ રામ મંદિરને ભેટ આપવા બનાવ્યો છે.
આ હારમાં અમેરીકન હીરા ઉપરાંત બે કિલો ચાંદીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ચાલીસ કારીગરોએ મળીને 35 દિવસમાં આ અનોખો હાર તૈયાર કર્યો છે. આ હારની ચેનમાં રામાયણના પાત્રો દર્શાવવામાં આવ્યા છે. તેમાં સોના અને ચાંદીથી શાહી દરબારની સાથે રામ,લક્ષ્મણ,સીતા અને હનુમાનની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે.
પ્રાણ પ્રતિષ્ઠા માટે 108 ફૂટ લાંબી મહા અગરબતીની તૈયારી
વડોદરામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબતી બનાવવામાં આવી રહી છે. તેનું વજન 3,428 કિલો છે. અગરબતીને 110 ફૂટ લાંબા ટ્રેલર પર રાખીને એક જાન્યુઆરીએ સડક માર્ગથી અયોધ્યા સુધી લઈ જવામાં આવશે. આ રથ 16 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. અગરબતી 45 દિવસ સુધી ચાલતી રહેશે.
5 લાખ રૂપિયા ખર્ચ થયો
વડોદરાના તરસાલી ખાતે રહેતા વિહાભાઈ કરશનભાઈ ભરવાડ અનુસાર મે માસથી તેમણે ઘર બહાર અગરબતી બનાવવાની શરૂઆત કરી હતી. અગરબતી બનાવવામાં પાંચ લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. પશુપાલક અને ખેડૂત એવા વિહાભાઈના જણાવ્યા અનુસાર અગરબતીને અયોધ્યા પહોંચાડવા માટે 110 ફૂટ લાંબા ટ્રક-ટ્રેલર પર રથ બનાવવા માટે આશરે 15 લાખ રૂપિયાનો ખર્ચ થશે.