બિહારના યુવાનને પિતરાઇ ભાઇ અને મિત્રોની નજર સામે ઉઠાવી જવાયો: રોજી માટે આવેલા યુવાનનું રૂ. 53 હજારની લેતીદેતીમાં રેલવે સ્ટેશનેથી કારમાં અપહરણ

by Aadhya
0 comment 3 minutes read

Updated: Nov 26th, 2023


– મહારાષ્ટ્ર-પાલઘરના રેઇનકોટના કારખાનેદારે અપહરણ કરી પૈસા નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપી


સુરત

રેઇનકોટના કારખાનામાં નોકરી માટે આવનાર બિહારી યુવાનને સુરત રેલવે સ્ટેશન પરથી મહારાષ્ટ્ર-પાલઘરના રેઇનકોટના કારખાનેદારે રૂ. 53 હજારની લેતીદેતીના વિવાદમાં પિતરાઇ ભાઇ અને તેના મિત્રોની નજર સામે માર મારી કારમાં અપહરણ કરી ભાગી જવાની સાથે જો પૈસા નહીં આપે તો મારી નાંખવાની ધમકી આપતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ છે.

ખટોદરા હેલ્થ સેન્ટર નજીક શ્રી રણછોડરાય નગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા અને રેઇનકોટ બનાવવાના કારખાનામાં નોકરી કરતો મો. દુલારે મો. બસીર અંસારી (ઉ.વ. 24 મૂળ રહે. હિરમા, સીવોહર, બિહાર) ના કારખાનામાં કારીગરની જરૂર હોવાથી વતન ખાતેથી પિતરાઇ ઓઝેર અંસારી ઝનીફ અંસારી (ઉ.વ. 36) અન્ય પાંચ કારીગર સાથે આજે સવારે સુરત આવ્યો હતો. મો. દુલારે અને તેની સાથે કામ કરતા કારીગર નઇમ ઝમીર અંસારી અને મો. અલી હુસૈન મો. અનવર રાઇન તેઓને લેવા માટે સુરત રેલવે સ્ટેશન ગયા હતા. સ્ટેશનની બહાર નીકળી રીક્ષા ચાલક સાથે ભાડાની વાતચીત કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો યુવાન ઘસી આવ્યો હતો અને ઓઝેરને ગરદનના ભાગેથી પકડી ગાળાગાળી કરી માર મારવા લાગ્યો હતો. જેથી મો. દુલારેએ તેને બચાવવા પ્રયત્ન કરતા વચ્ચે નહીં આવતા એવું કહ્યું હતું. આ અરસામાં મહારાષ્ટ્રના પાલઘર ખાતે રેઇનકોટ બનાવવાનું કારખાનું ધરાવતો સારીક જુનૈદ અંસારી ઘસી આવ્યો હતો અને ઓઝેર પાસે મારે રૂ. 53 હજાર લેવાના છે તેની માંગણી કરી હતી. જેથી પિતરાઇને બચાવવા મો. દુલારેએ તેના શેઠ પ્રતિક ભાટીયાને કોલ કરી રૂ. 53 હજારની મદદ માંગી હતી. સારીક અંસારીને વિશ્વાસ ન હોવાથી ઓઝેર અને નઇમને નજીકમાં એક કારમાં અગાઉથી ત્રણેક જણા હતા તે કારમાં બેસાડયા હતા અને પુર ઝડપે કાર હંકારી અપહરણ કરી ભાગી ગયા હતા. દરમિયાનમાં પ્રતીક ભાટીયા સ્ટેશન ખાતે પહોંચ્યા ત્યારે રસ્તામાં નઇમને ઉતારીને સારીક તથા તેના મિત્રો ઓઝેરનું અપહરણ કરી મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા. રસ્તામાંથી સારીકે બેથી ત્રણ વખત કોલ કરી જો પૈસા નહીં આપે તો ઓઝેરને મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે મો. દુલારેએ ઘટના અંગે મહિધરપુરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસની એક ટીમ તુરંત જ મહારાષ્ટ્ર જવા રવાના થઇ છે.

Source link

You may also like

Leave a Comment