ગૌરવ પથ પર અકસ્માત માટે પાલિકા અને પોલીસ સાથે વાહન ચાલકો પણ જવાબદાર

by Aadhya
0 comments 2 minutes read

Updated: Dec 5th, 2023

ગૌરવ પથ પર અકસ્માત અટકાવવા પાલિકાએ બેરિકેટિંગ કર્યું તો લોકોએ બેરીકેટ તોડી નાંખ્યા

પાલનપોર ફાયર સ્ટેશન નજીક પાલિકાએ અકસ્માત થાય તેવા ગેપ કામ ચલાઉ પુરી દીધા તો લોકોએ બેરીકેટ હટાવીને વાહન દોડાવવાનું શરૂ કરી દીધું

સુરત, તા. 05 ડિસેમ્બર 2023 મંગળવાર

સુરતના પાલ- ભેસાણ ગૌરવ પથ પર બેફામ દોડતા વાહનોને કારણે થતા અકસ્માત રોકવા માટે બેરીકેટ બનાવ્યા હતા પરંતુ લોકોએ બેરીકેટ તોડીને વાહન વ્યવહાર શરૂ કરી દીધો છે. પાલિકાએ બનાવેલા બેરીકેટ તોડીને લોકો જોખમી રીતે વાહન દોડાવી રહ્યા છે તેના કારણે આ રોડ પર ફરી જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ- ભેસાણ ગૌરવ પથ પર હાલમાં જ એક જીવલેણ અકસ્માત થયો હતો. પૂરઝડપે દોડતી કારની અડફેટમાં એક યુવાનનું મોત થયું હતું  આ અકસ્માત બાદ પાલિકા અને પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું અને નાના રોડ માટે પણ ડીવાઈડર વચ્ચે બનાવેલા ગેપ દૂર કરવા સાથે ચાર રસ્તા પર સર્કલ બનાવવા માટેના સર્વે સાથે તાત્કાલિક અકસ્માત થાય તેવા જોખમી ગેપ પુરી દેવા માટે સુચના આપી હતી. પાલિકા  અને પોલીસની સંયુક્ત કવાયત બાદ પાલનપોર ફાયર સ્ટેશન નજીક ડીવાઈડર વચ્ચે બનાવેલો ગેપ અકસ્માતને આમંત્રણ આપતો હોય તે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. 

અકસ્માત રોકવા માટે  ડિવાઈડર ના ગેપ પુરવા માટે આદેશ આપ્યા હતા તેનો ત્વરિત અમલ કરવા માટે પાલિકાએ બેરીકેટ મુકવામાં આવ્યા છે.  જોકે, અકસ્માત રોકવા માટે પાલિકા ડીવાઈડર વચ્ચે ની ગેપ બંધ કરવા માટેની કવાયત શરૂ  કરી છે પરંતુ કેટલાક લોકોએ ગેપ બંધ કરવા માટે મુકવામાં આવેલા બેરીકેટ હટાવીને વાહનો દોડાવવાનું શરૂ કરી દીધું છે. આ રોડ બેરીકેટ હટાવીને માત્ર ટુ વ્હીલર જ નહી પરંતુ ફોર વ્હીલર પણ દોડવા લાગ્યા છે.

પાલિકાએ જે ડિવાઈડર વચ્ચેના ગેપને અકસ્માત માટે કારણભૂત બતાવ્યો છે તે જ ગેપને હવે લોકોએ દુર કરીને વાહન ચલાવવાનું શરૂ કરી દેતા ફરી જીવલેણ અકસ્માત થાય તેવી શક્યતા વધી રહી છે.  લોકોએ બેરીકેટ તોડી નાંખ્યા અને વાહનો દોડવાનું શરૂ કરી દીધું છે પરંતુ  પાલિકા તંત્ર દ્વારા બેરીકેટ તોડનારા લોકો સામે કોઈ કાર્યવાહી કરી નથી કે બેરીકેટ ફરીથી બનાવવાની તસ્દી લીધી નથી જેના કારણે અકસ્માતની ભીતિ વધી રહી છે.

Source link

You may also like

Leave a Comment