ટેલિકોમ વિભાગ (DoT) એ સંસદમાં એક સત્તાવાર જવાબમાં જણાવ્યું હતું કે 5G સેવા શરૂ થયાને લગભગ 6 મહિના થયા છે અને દેશભરમાં 481 જિલ્લાઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં ભારતમાં કુલ 23.8 લાખ બેઝ ટ્રાન્સસીવર સ્ટેશનો (BTS)માંથી માત્ર 37 ટકા અથવા 8.84 લાખ ફાઇબરાઇઝ્ડ છે.
BTS એ મોબાઈલ નેટવર્કમાં એક નિશ્ચિત રેડિયો ટ્રાન્સસીવર છે. તે મુખ્યત્વે ટાવરના રૂપમાં છે. જોકે, હાલના ટાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નવા 5G રેડિયો ફીટ કરવામાં આવી રહ્યા છે. તેનો ઉપયોગ સબ્સ્ક્રાઇબર ઉપકરણો અને ટેલિકોમ ઓપરેટર નેટવર્ક વચ્ચે સંચાર પ્રક્રિયાને સરળ બનાવવા માટે થાય છે.
અધિકારીઓનું કહેવું છે કે 5Gનું ભૌગોલિક કવરેજ ઝડપથી વધી રહ્યું છે, કારણ કે એક મહિના પહેલા સુધી 5G દ્વારા આવરી લેવામાં આવેલા જિલ્લાઓની સંખ્યા 387 હતી.
જો કે, ટેલિકોમ ટાવર્સમાં ફાઈબર બેકહોલનો અભાવ આ ક્ષેત્ર માટે મોટી સમસ્યા છે. હાલમાં ભારતમાં 5G ઓફર કરતી બે ટેલિકોમ સેવા પ્રદાતાઓ રિલાયન્સ જિયો અને ભારતી એરટેલે કહ્યું છે કે એકવાર ઓપ્ટિકલ ફાઈબર લાઇન સંપૂર્ણ રીતે બિછાવે પછી નેટવર્કની ઝડપ અને ક્ષમતામાં પણ વધારો થશે.
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI) કહે છે કે સંભવિત 5G સેવાઓ માટે ઓછામાં ઓછા 70 ટકા ટાવર્સમાં ફાઈબર કનેક્ટિવિટી હોવી જોઈએ.