મુંબઈ: મુંબઈના 400 કિલોમીટરના રસ્તાને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાના મુંબઈ મહાનગરપાલિકાના 6,080 કરોડ રૂપિયાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે રવિવારે ભૂૂમિપૂજન કરવામાં આવવાનું છે. એક જ પ્રોજેક્ટ માટે આ બીજી વખત ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે.
મુંબઈના રસ્તાઓને ખાડામુક્ત કરવા માટે તમામ રસ્તાઓને સિમેન્ટ-કૉંક્રીટના બનાવવામાં આવવાના છે. લગભગ 6,080 કરોડ રૂપિયાના રસ્તાના પ્રોજેક્ટ સહિત પાલિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું આ અગાઉ 19 જાન્યુઆરીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી ગયા હતા અને હવે એકનાથ શિંદે બીજી વખત આ પ્રોજેક્ટ હેઠળ આવતા 52 કિલોમીટરના રસ્તાના કામનું ભૂમિપૂજન કરવાના છે. એ સાથે મુંબઈ મહાનગરના સૌંદર્યીકરણ કરવા માટે 500 કામનો સમાવેશ રહેલા સ્પેશિયલ પ્રોજેક્ટનું કામ પ્રગતિએ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વધારાના 320 કામનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.
સોમવારથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે એ અગાઉ રવિવાર 26 ફેબ્રુઆરીના ચેંબુરમાં લોકમાન્ય તિલક ગ્રાઉન્ડ પર શિંદે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવાના છે. મુખ્ય પ્રધાનનો હવાલો સંભાળ્યા બાદ શિંદેએ ઑગસ્ટમાં આગામી ત્રણ વર્ષમાં મુંબઈના રસ્તાને ખાડામુક્ત કરવાની જાહેરાત કરી હતી. એ સમયે તેમણે છેલ્લા બે દાયકાથી પણ વધુ સયમથી પાલિકામાં શાસન કરનારી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેનાની ટીકા કરી હતી.
આ દરમિયાન ગયા મહિને વડા પ્રધાન મોદી રસ્તાના કામનું ભૂમિપૂજન કરે તે પહેલા પાલિકાએ પાંચ કૉન્ટ્રેક્ટરોને કામ ચાલુ કરવા માટે વર્ક ઑર્ડર બહાર પાડ્યા હતા. પાલિકાએ કૉન્ટ્રેક્ટ સુધારિત દર પર .આપ્યા છે, જે પહેલા કરતા પાંચથી છ ટકા ઓછા ભાવે છે, જેને કારણે પાલિકાના લગભગ 380થી 410 કરોડ રૂપિયાની બચત થશે.
52 કિલોમીટર લંબાઈના કામ ચાલુ થશે
પાલિકા રસ્તાના સિમેન્ટ કૉંક્રીટના કામ કરવાની છે, જેમાં મંજૂર કરેલા 400 કિલોમીટર લંબાઈના કુલ રસ્તાના કામમાંથી કુલ 52 કિલોમીટરના લંબાઈના અંતરના 111 રસ્તાના કામની શરૂઆત પહેલા તબક્કામાં કરવામાં આવવાના છે, જેમાં પૂર્વ ઉપનગરમાં 110.6 કિલોમીટર લંબાઈના 24 રસ્તા, પશ્ર્ચિમ ઉપનગરના 31 કિલોમીટર લંબાઈના 61 રસ્તા અને શહેરમાં 9.66 કિલોમીટર લંબાઈના 26 રસ્તાના કામનો સમાવેશ થાય છે.
સ્યુએજ લાઈનના કામના પણ ઉદ્ઘાટન
રસ્તાના કામની સાથે જ ટિળક નગર, નહેરુ નગર અને સહકાર નગરમાં સ્યુએજ લાઈનના કામના ભૂમિપૂજન પણ કરવામાં આવવાના છે. પાલિકાના સ્યુએજ પ્રોજેક્ટ ખાતા દ્વારા ચેંબુરમાં મ્હાડા કોલોનીમાં ટિળક નગર, કુર્લા પરિસરમાં નહેરુ નગર અને સહકાર નગરમાં સ્યુએજ લાઈનના જાળામાં સુધારણા કરવા માટે જુદા જુદા રસ્તા પર સ્યુએજ લાઈન નાખવાના કામ કરવાના છે. તેમાંથી ટિળક નગરમાં 1,390 મીટર લંબાઈ, નહેરુ નગરમાં 1,550 મીટર લંબાઈ તો સહકાર નગરમાં 200 મીટર લંબાઈના અંતરના સ્યુએજ લાઈનનું કામ કરવામાં આવવાનું છે.
સૌંદર્યીકરણના 320 કામનું પણ કરશે ઉદ્ઘાટન
મુંબઈની કાયાપલટ કરવા માટે મુંબઈ સુશોભીકરણ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત પહેલાં તબક્કામાં 500 કામના ભૂમિપૂજન મુખ્ય પ્રધાન શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસના હસ્તે 8 ડિસેમ્બર અને 10 ડિસેમ્બર 2022ના રોજ કરવામાં આવ્યા હતા. તેના અત્યાર સુધી 121 કામ પૂરા થયા છે. બીજા તબક્કામાં વધારાના 320 કામ કરવાના છે, તેનું પણ ભૂમિપૂજન શિંદે કરવાના છે.