આગની ઘટનામાં 27 કર્માચારીઓ દાઝ્યા હતા
Updated: Nov 30th, 2023
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી કંપનીમાં ગઈકાલે ભયંકર આગ લાગવાની ઘટના બની હતી જેમાં 7 કર્મચારીઓ ગુમ થયા હતા ત્યારે હવે આજે તેમના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે આ આગની ઘટનામાં 27 કર્મચારીઓ દાઝ્યા હતા જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો
સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યે ભયંકર આગ લાગી ગઈ હતી. સ્ટોરેજ ટેન્કમાં લિકેઝ બાદ આગ લાગતાં જ બ્લાસ્ટ થયો હતો. જેથી આસપાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી હતી અને 7 કલાકના અંતે આગ પર કાબુ મેળવાયો હતો. આ આગની ઘટનામાં 7 જેટલા કર્મચારીઓની કોઈ ભાળ મળી ન હતી અને તમામની શોધખોળ ચાલુ હતી ત્યારે હવે આજે તમામ 7ના મૃતદેહ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આગની ઘટનામાં 27 જેટલા કર્મચારીઓ દાઝ્યા હતા જેમાં ત્રણની હાલત ગંભીર જણાવાઈ રહી છે.