તાઈવાન સાથે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીનનું એક જાસૂસી જહાજ યુઆન વાંગ-૫ શ્રીલંકાના હંબનટોટા બંદરે આવવાનું હતું. જોકે, ભારતના દબાણથી શ્રીલંકો હંબનટોટા બંદરે આ જહાજના આગમનની તારીખ પાછી ઠેલવાનું જણાવતા ચીન ધૂંઆપૂંઆ થયું છે. હવે આ મુદ્દે કોલંબોમાં ચીની દૂતાવાસે શ્રીલંકાના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજવા માગણી કરી છે.
ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-૫ ૧૧મીથી ૧૭મી ઑગસ્ટ વચ્ચે હંબનટોટા બંદરે રોકાવાનું હતું. જોકે, આ મુદ્દે ભારતે શ્રીલંકા સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.
શ્રીલંકન મીડિયાના રિપોર્ટ મુજબ ચીના જાસૂસી જહાજ યુઆન વાંગ-૫નો પ્રવાસ સ્થગિત કરવાની માગણી કર્યા પછી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમાસિંઘેએ ચીનના રાજદૂત ક્યુઈ જેનહોંગે સાથે બંધબારણે બેઠક કરી હતી. જોકે, શ્રીલંકન રાષ્ટ્રપતિ ઓફિસે આવી કોઈપણ બેઠકનો ઈનકાર કર્યો હતો.
શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેએ માલદીવ ભાગતા પહેલા ચીનના જાસૂસી જહાજને હંબનટોટા બંદરે આવવાની મંજૂરી આપી હતી. આ જહાજના આગમન અંગે શ્રીલંકાએ કહ્યું હતું કે, ચીની જહાજ હંબનટોટામાં માત્ર ઈંધણ ભરાવવા અને ખાવા-પીવાનો કેટલોક સામાન લોડ કરવા માટે આવશે. જોકે, ચીનનું જાસૂસી જહાજ યુઆન વાંગ-૫ અત્યંત શક્તિશાળી રડાર અને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે.
આ જહાજ અવકાશ અને સેટેલાઈટ ટ્રેકિંગ ઉપરાંત ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલના લોન્ચની પણ માહિતી મેળવી શકે છે. આ જહાજ પર શક્તિશાળી એન્ટેના લાગેલું છે, જે તેને લાંબા અંતર સુધી નિરીક્ષણ કરવામાં મદદ કરે છે.
ભારતે ચીની જાસૂસના હંબનટોટા બંદરે આવવા સામે શ્રીલંકા સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું કે તે તેના સુરક્ષા અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને તેના રક્ષણ માટે બધા જ જરૂરી પગલાં ઉઠાવશે.