Updated: Oct 19th, 2023
– એક જ શિક્ષકે ત્રણ જેટલા વર્ગ સંભાળવાની ફરજ પડી
– વરાછાની સ્પર્ધામાં 400 શિક્ષક-આચાર્ય અને ઇનોવેશન ફેરમાં 300 શિક્ષકો હાજર રહ્યાં : પાલિકાની અનેક શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો
સુરત,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની ફરિયાદ વચ્ચે આજે એક જ દિવસે વિવિધ કાર્યક્રમમાં 700થી વધુ શિક્ષકોને મોકલવામાં આવતા શિક્ષણ સમિતિની સ્કુલના અનેક વર્ગખંડ શિક્ષકો વિનાના હોવાથી બાળકોનું શિક્ષણ બગડ્યું છે. કેટલીક શાળા તો એવી હતી કે જ્યાં એક જ શિક્ષકને ભાગે ત્રણ જેટલા વર્ગો સંભાળવાની જવાબદારી આવી હતી. આવી સ્થિતિને કારણે શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાના બદલે સાચવીને બેસી રહ્યા હતા.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિવાદનો મુદ્દો છે શિક્ષકોની ઘટ હોવાના કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી હોવાની વ્યાપક ફરિયાદ છે. એકતરફ વર્ગ ખંડમાં શિક્ષકોની ઘટ છે તો બીજી તરફ પાલિકા, શિક્ષણ સમિતિ કે સરકાર દ્વારા શિક્ષકોને ફરજ્યાત ઈતર પ્રવૃત્તિના ફરજ્યાત જોડતા હોવાથી શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. જે શાળામાં શિક્ષકોની ઘટ છે તેવી શાળાના શિક્ષકોને ઈતર પ્રવૃત્તિમાં જોતરી દેવામાં આવતા હોવાથી શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે
આજે વરાછા ઝોનમાં આવેલા સરદાર સ્મૃતિ ભવનમાં શિક્ષણ સમિતિની રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે તૈયારી કરાવનારા શિક્ષકો ઉપરાંત દરેક સ્કુલના એક આચાર્ય અને એક શિક્ષકને ફરજ્યાત કાર્યક્રમમાં હાજર રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકાર દ્વારા ભેસ્તાન ખાતે ઈનોવીટીવ ફેરનું આયોજન કરવામા આ્વ્યું હતું તેમા શાળા દીઠ એક શિક્ષકને હાજર રાખવામાં આવ્યા હતા.આમ એક જ દિવસે બે સ્પર્ધા હોવાથી 700થી વધુ શિક્ષકો શાળાના વર્ગખંડમાં હાજર ન હતા. જ્યારે અનેક શાલામાં એક યા બીજા કારણથી કેટલાક શિક્ષકો રજા પર હતા. જેના કારણે આજે દિવસ દરમિયાન શિક્ષણ સમિતિની સ્કુલમાં અનેક વર્ગમાં શિક્ષકો હાજર ન હતા. આવી સ્થિતિના કારણે એક શિક્ષક પાસે ત્રણ ત્રણ વર્ગની જવાબદારી હોય તેવા અનેક વર્ગખંડ જોવા મળ્યા હતા. આવી સ્થિતિના કારણે શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવી શકે તેવી સ્તિતિમાં ન હોવાથી નામ પુરતો જ અભ્યાસ કરાવ્યો હોવાથી બાળકોનું આજનું શિક્ષણ બગડ્યું હતું.