મુંબઈ: મુંબઈગરા અત્યંત આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે તે કોસ્ટલ રોડનું કામ હવે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને અત્યારે આ પ્રોજેક્ટનું ૭૦ ટકા કામ પૂરું થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોસ્ટલ રોડ માટે ૨૦૨૩ના અંત સુધીની ડેડલાઈન જાહેર કરી નાખી હતી અને તેને પહોંચી વળવા માટે હવે પાલિકા દ્વારા કામને ગતિ આપવામાં આવી છે.
ગુરુવારે રાજ્યના સિનિયર અધિકારી અશ્ર્વિની ભીડેએ મુંબઈ સમાચારને એવી માહિતી આપી હતી કે રિક્લેમેશનનું કામ ૯૩ ટકા અને ટનલના કામ ૯૫ ટકા પૂરા થઈ ગયા છે. ટનલના રૅમ્પના કામ પણ ૭૧ ટકા જેટલા પૂરા થઈ ગયા છે. સમુદ્રકિનારે દીવાલ બાંધવાનું કામ ૭૯ ટકા પૂરું થઈ ગયું છે.
પાલિકા દ્વારા આ પ્રોજેક્ટ કટ એન્ડ કવર પદ્ધતિએ કરવામાં આવી રહ્યો છે અને તેનું કામ પણ લગભગ ૬૭ ટકા જેટલું પૂરું થઈ ગયું છે.
અત્યારે ઈન્ટર ચેન્જનું અને બ્રિજનું કામ ૪૦ ટકાની આસપાસ થયું છે.
પેકેજ પ્રમાણે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે પહેલા પેકેજનું (પ્રિયદર્શીની પાર્કથી બરોડા પેલેસ સુધી) કામ ૬૮ ટકા જેટલું થયું છે, જેમાં રિક્લેમેશનનું કામ ૯૩ ટકા, દિવાલનું કામ ૭૫ ટકા જેટલું થઈ ગયું છે. બ્રિજનું કામ ફક્ત ૨૯ ટકા, ઈન્ટરચેન્જનું કામ ફક્ત ૩૧ ટકા જેટલું થયું છે.
બીજા પેકેજમાં બરોડા પેલેસથી લઈને વરલી સી-લિંક સુધીનો પટ્ટો આવે છે અને તેનું કામ ફક્ત ૬૨ ટકા થયું છે. અહીં સમુદ્રી દીવાલનું કામ ૯૦ ટકા અને રિક્લેમેશનનું કામ ૯૭ ટકા જેટલું થઈ ગયું હોવા છતાં બાકીના કામ ઘણા બાકી છે.
ચોથા પેકેજમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી પ્રિયદર્શીની પાર્ક સુધીનો પટ્ટો આવે છે અને તેમાં રિક્લેમેશનનું કામ ૮૮ ટકા, ટનલનું કામ ૯૫ ટકા, દીવાલનું કામ ૬૩ ટકા, ટનલના રૅમ્પનું કામ ૭૧ ટકા જેટલું થઈ ગયું છે. અહીં બધા પેકેજમાં સૌથી વધુ ૭૯ ટકા જેટલું કામ થઈ ગયું છે.