બગડતી નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 5 સહકારી બેંકો પર વિવિધ નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોમાં પૈસા ઉપાડવા પર પ્રતિબંધનો પણ સમાવેશ થાય છે. આ બેંકો પરના નિયંત્રણો 6 મહિના સુધી ચાલુ રહેશે. આ બેંકના ગ્રાહકો બેંકમાં જમા પૈસા ઉપાડી શકશે નહીં. આ બેંકો આરબીઆઈની પૂર્વ પરવાનગી વિના ન તો નવી લોન આપી શકશે કે ન તો કોઈની લોન લઈ શકશે. આ ઉપરાંત, તેઓ કોઈપણ મિલકતને સ્થાનાંતરિત અથવા નિકાલ કરી શકશે નહીં.
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે આ પ્રતિબંધ સમીક્ષા હેઠળ છે. મતલબ કે કેન્દ્રીય બેંક બેંકોની કામગીરીની સમીક્ષા કર્યા બાદ જ પ્રતિબંધ હટાવવા કે વધારવાનો નિર્ણય લેશે. જો RBI બેંકોની નાણાકીય સ્થિતિમાં સુધારો જોશે તો પ્રતિબંધ હટાવી લેવામાં આવશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે આ બેંકોનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જે પાંચ બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં HCBL કોઓપરેટિવ બેંક લખનૌ (UP), આદર્શ મહિલા નાગરિક સહકારી બેંક મર્યાદિત ઔરંગાબાદ (મહારાષ્ટ્ર), શિમશા કોઓપરેટિવ બેંક નિયામિથા મદ્દુર, (કર્ણાટક) ઉરાવકોંડા સહકારી ટાઉન બેંક, ઉરાવકોંડા, (આંધ્રપ્રદેશ) અને શંકરરાવ મોહિતે પાટિલ કોઓપરેટિવ બેંક, અકલુજ (મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.
ગ્રાહકો હવે તેમના ખાતામાંથી માત્ર 5,000 રૂપિયા જ ઉપાડી શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે તમામ પાંચ સહકારી બેંકોની પાત્ર થાપણો ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન પાસેથી 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.