ઇન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવર જેવી બ્લુચિપ કંપનીઓના નિરાશાજનક ત્રિમાસિક પરિણામોને કારણે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ચાલી રહેલી તેજીનો આજે અંત આવ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સૂચકાંકોએ છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાવ્યો છે. વૃદ્ધિની ચિંતા વચ્ચે IT શેરોમાં 4 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
સેન્સેક્સ 888 પોઈન્ટ અથવા 1.3 ટકાના ઘટાડા સાથે 66,684 પર બંધ થયો હતો. નિફ્ટી 234 પોઈન્ટ અથવા 1.2 ટકાના ઘટાડા સાથે 19,745 પર બંધ થયો હતો. ઇન્ફોસિસના શેરમાં 8.2 ટકાનો ઘટાડો થયો છે, જે 17 એપ્રિલ, 2023 પછીનો સૌથી મોટો ઘટાડો છે.
કંપનીએ તેના સંપૂર્ણ વર્ષના અર્નિંગ ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે, જેણે તેના શેરને અસર કરી છે કારણ કે તેણે IT સેક્ટરની વૃદ્ધિ અંગેની ચિંતાઓને ફરીથી જાગૃત કરી છે. બીએસઈ આઈટી ઈન્ડેક્સ 4.4 ટકા ઘટીને બંધ રહ્યો હતો. 19 ક્ષેત્રીય સૂચકાંકોમાં સૌથી વધુ ઘટાડો આઈટી ઈન્ડેક્સમાં જ નોંધાયો હતો.
નોમુરાએ ઇન્ફોસિસના સ્ટોકના લક્ષ્યાંક ભાવમાં ઘટાડો કર્યા પછી રોકાણકારોને લખેલી નોંધમાં જણાવ્યું હતું કે, “FY24 માટે અર્નિંગ ગ્રોથના અંદાજમાં ઘટાડો આશ્ચર્યજનક છે. કંપની મેનેજમેન્ટે જણાવ્યું હતું કે આ બિન-આવશ્યક ખર્ચમાં ઘટાડો દર્શાવે છે, જે IT ગ્રાહકો દ્વારા નિર્ણય લેવામાં વિલંબ કરે છે. બજારના સહભાગીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સમાં ઘટાડો ભારતીય બજારમાં આઇટી શેરોમાં પણ પ્રતિબિંબિત થયો હતો.
દરમિયાન, વેચાણમાં અપેક્ષા કરતાં નીચી વૃદ્ધિને કારણે હિંદુસ્તાન યુનિલિવરના શેર પણ 3.7 ટકા ઘટીને બંધ થયા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર જૂન ક્વાર્ટરના પરિણામોની જાહેરાત પહેલા 2.6 ટકા ઘટીને બંધ થયો હતો. સેન્સેક્સના કુલ ઘટાડામાં ઇન્ફોસિસ અને રિલાયન્સનો હિસ્સો લગભગ 70 ટકા હતો.
તાજેતરના ભૂતકાળમાં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા સતત ખરીદી પર નિફ્ટી અને સેન્સેક્સ તેમના માર્ચના નીચલા સ્તરથી લગભગ 17 ટકા વધ્યા છે. આજના ઘટાડા છતાં, બંને સૂચકાંકો આ સપ્તાહે લગભગ 1 ટકા ઉપર છે.
અવન્ડસ કેપિટલ ઓલ્ટરનેટ સ્ટ્રેટેજીસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એન્ડ્રુ હોલેન્ડે જણાવ્યું હતું કે, “બજાર ઘટવાની તક શોધી રહ્યું હતું અને કંપનીઓએ કમાણી નિરાશ કરી અને કમાણીના અંદાજમાં કાપ મૂક્યા પછી રોકાણકારોએ અમુક વેચાણ કર્યું.”
પરંતુ લાર્સન એન્ડ ટુબ્રોનો શેર 4 ટકા વધીને રેકોર્ડ ઊંચાઈએ બંધ રહ્યો હતો. એક દિવસ પહેલા, કંપનીએ તેના પ્રથમ શેર બાયબેક પર વિચારણા કરવાની વાત કરી હતી. L&T બોર્ડ દ્વારા 25 જુલાઈના રોજ દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.
મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, “પરિણામોની સિઝન ચાલી રહી હોવાથી ચોક્કસ શેરોમાં મૂવમેન્ટ જોવા મળી શકે છે અને આ આવતા સપ્તાહમાં બજારને દિશા આપશે.”