Updated: Nov 21st, 2023
– પાલિકાના વિપક્ષના ઉપનેતાએ કરેલો હોબાળો ખોટો હતો થવું નહી જોઈતું હતું : સમિતિ વિપક્ષ
– શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાનું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે કારણ કે અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે : વિપક્ષ
સુરત,તા.21 નવેમ્બર 2023,મંગળવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ગત સામાન્ય સભામાં પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા અને એક કોર્પોરેટરે કરેલી બબાલ હવે શિક્ષણ સમિતિના વિપક્ષ માટે આફત બની ગઈ છે. આજની સામાન્ય સભામાં વિપક્ષે લાઈવ સભા કરવાની માગણી કરી હતી તેમાં ગત સભામાં થયેલા હોબાળા અંગેની વાત આવતાં વિપક્ષ બેક ફુટ પર આવી ગયા હતા. શિક્ષણ સમિતિના વિપક્ષે કહ્યું ગત સભામાં થયું તે થવા જેવું ન હતું ખોટું થયું છે અને થવું ન જોઈતું હતી તેવી વાત કરવા સાથે શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભા નું લાઈવ રેકોર્ડિંગ કરવામાં આવે કારણ કે અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરે છે તેવી વાત કરી હતી.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં ગત સભાના અહેવાલ મંજુર કરવાની સામાન્ય દરખાસ્ત રજુ કરવામાં આવી હતી. જેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ શિક્ષણ સમિતિની તમામ સભા લાઈવ કરવા માટેની માગણી કરી હતી. વિપક્ષ ના સભ્યએ આક્ષેપ કરતાં કહ્યું હતું, સામાન્ય સભામાં અહેવાલ લખવામાં સતત ગોટાળા કરીને શાસકો પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જો યોગ્ય રીતે અહેવાલ લખવામાં નહી આવે તો સામાન્ય સભાની જરુર નથી તેવો આક્ષેપ કર્યો હતો.
સમિતિની સભા શરુ થવાની સાથે જ વિપક્ષે તમામ સભા લાઈવ કરવાની માગણી કરી પારદર્શિતા રાખવા માટેની માગણી કરી હતી. તેની સામે શાસકોએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં પાલિકાના વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડ અને વિપક્ષના કોર્પોરેટરે આવીને હોબાળો મચાવ્યો હતો. આ હોબાળા બાદ વિપક્ષની હાલત કફોડી થઈ ગઈ હતી. તેનો ઉલ્લેખ કરીને શાસકોએ વિપક્ષને ચાબખા માર્યા હતા. તેની સામે વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું હતું કે, ગત સામાન્ય સભામાં જે થયું તે ખરાબ છે અને સંસદીય નથી ખોટું થયું છે તે થવું જોઈતું ન હતું પરંતુ થયું તે કમનસીબ છે.
આ ઉપરાંત વિપક્ષે કહ્યું હતું કે, શિક્ષણ સમિતિની સમાન્ય સભામાં પારદર્શિતા નથી રહેતી અને રમતોત્સવનું આયોજન અને ઉદ્યોગ પ્રવાસ પણ સમયસર થતો નથી તે યોગ્ય રીતે થાય તેવી માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ફરી એક વાર સામાન્ય સભાનું લાઈવ રેકોર્ડિંગ થાય તેવી માગણી વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.