કોર્ટે એલોન મસ્કને ટ્વિટર ખરીદવાની ડીલ પૂરી કરવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. જો મસ્ક આ તારીખ સુધીમાં સોદો પૂરો નહીં કરે તો કોર્ટ આ મામલે સુનાવણી શરૂ કરશે. કોર્ટે કહ્યું છે કે આ દરમિયાન મસ્કને ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની વ્યવસ્થા કરવી પડશે. મસ્ક વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઇઓ છે.
ડેલવેર કોર્ટના જજ ચાન્સેલર કથલીન સેન્ટ જુડ મેકકોર્મિકે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જો મસ્ક 28 ઓક્ટોબર સુધીમાં આ સોદો પૂરો કરવામાં નિષ્ફળ જશે તો તે નવેમ્બરમાં આ કેસની સુનાવણી શરૂ કરી દેશે. વાસ્તવમાં મસ્કે કોર્ટને આ કેસની સુનાવણી બંધ કરવાની વિનંતી કરી હતી. આ કિસ્સામાં મસ્કની બાજુ ટ્વિટર કરતા નબળી હોવાનું માનવામાં આવે છે.
એટલે મસ્કે સોમવારે આ ડીલ પૂરી કરવામાં રસ દાખવ્યો હતો. તેણે કહ્યું હતું કે આ માટે તેને પૈસા ભેગા કરવા માટે થોડો સમય જોઈએ છે. તેમની વિનંતી પર કોર્ટે તેમને પૈસા ભેગા કરવા માટે 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. મસ્કે આ વર્ષે એપ્રિલમાં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી.
તેમણે ટ્વિટરના દરેક શેર માટે 54 ડોલરની કિંમત ચૂકવવાની ઓફર કરી હતી. ત્યાર બાદ તેમણે ટ્વિટર પર કંપની સાથે જોડાયેલી જરૂરી જાણકારી ન આપવાનો આરોપ લગાવતા ડીલમાંથી હટી જવાની જાહેરાત કરી હતી. મસ્ક પાસે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પહેલેથી જ ૯ ટકાથી વધુ હિસ્સો છે. મસ્કના ડીલ નહીં કરવાના નિર્ણય બાદ ટ્વિટરે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
ત્યારથી આ કેસ ડેલવેર કોર્ટમાં પેન્ડિંગ છે. કોર્ટના તાજેતરના ચુકાદા બાદ ટ્વિટરે કહ્યું છે કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સોદો 28 ઓક્ટોબર સુધીમાં 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે પૂર્ણ થઈ જશે.” આ પહેલા ટ્વિટરે કોર્ટને આ ડીલ પૂરી કરવાના મસ્કના પ્રસ્તાવને ફગાવી દેવા માટે કહ્યું હતું. ટ્વિટરે કહ્યું કે મસ્ક માત્ર આ ડીલને લટકાવવા માટે આ પ્રકારનો પ્રસ્તાવ આપી રહ્યા છે. મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.