મુંબઈ: મહારાષ્ટ્રનાં બંને શહેરનાં નામને બદલવા માટેની કેન્દ્રએ આખરે સંમતિ આપી દીધી છે. આથી હવેથી ઔરંગાબાદ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ ધારાશિવ તરીકે ઓળખાશે. બંને શહેરનાં નામને બદલવા માટેની સંમતિ મળી ગઇ હોવાની માહિતી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વિટર દ્વારા આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહનો ફડણવીસે આભાર માન્યો હતો. એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારે કરી દેખાડ્યું, એવી ટ્વિટ પણ ફડણવીસે કરી હતી.
ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ નામ માટે છેલ્લા ઘણા સમયથી રાજકારણ ખેલાઇ રહ્યું હતું. ૯૦ના દાયકામાં શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેએ ઔરંગાબાદને સંભાજીનગર નામ આપવાની માગણી કરી હતી. જોકે ત્યાર બાદ શિવસેના તરફથી ઔરંગાબાદને સંભાજીનગર તરીકે બોલવામાં આવતું હતું, જ્યારે ઉસ્માનાબાદનો ઉલ્લેખ ધારાશિવ તરીકે કરવામાં આવતો હતો.
છત્રપતિ સંભાજી યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર, તેમના પિતા દ્વારા સ્થાપિત મરાઠા રાજ્યના બીજા શાસક હતા. ૧૬૮૯માં ઔરંગઝેબના આદેશ પર સંભાજી મહારાજને ફાંસી આપવામાં આવી હતી. ધારાશિવ ઉસ્માનાબાદ નજીક એક ગુફા સંકુલનું નામ, કેટલાક વિદ્વાનોના મતે ૮મી સદીનું છે.
મોગલ સામ્રાજ્યના બાદશાહ ઔરંગઝેબે છત્રપતિ સંભાજી રાજેની હત્યા કરી હતી અને બાદમાં તેને ઔરંગાબાદ નામ આપવામાં આવ્યું હતું, જ્યારે ઉસ્માનાબાદનું નામ હૈદ્રાબાદના રજવાડાંના ૨૦મી સદીના શાસક માટે રાખવામાં આવ્યું હતું. હિંદુત્વવાદી સંગઠને પણ આ બંનેનાં નામને બદલી કરવાની માગણી કરી હતી. આને કારણે હવે બંને શહેર ઔરંગાબાદનું છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું ધારાશિવ નામાંતરણ કરવા માટેની મંજૂરી કેન્દ્ર સરકારે આપી હતી.