મુંબઈ: અંધેરીમાં સ્થાનિક નાગરિકોની ઘોંઘાટની ફરિયાદને પગલે ચાર દિવસથી અટકેલું ગોપાલ કૃષ્ણ ગોખલે પુલને તોડી પાડવાનું કામ મુંબઈ મહાનગરપાલિકાના હસ્તક્ષેપ બાદ પશ્ર્ચિમ રેલવેએ આખરે શનિવારથી ફરી શરૂ કર્યું હતું.
ગોખલે પુલ ટ્રાફિક માટે બંધ કર્યા બાદ અંધેરીમાં ભારે ટ્રાફિકની સમસ્યા છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા પાલિકા ચોમાસા પહેલાં ગોખલે પુલની ઓછામાં ઓછી બે લેન ખુલ્લી મુકવા માગે છે. તે માટે જોકે ફેબ્રુઆરી અંત સુધીમાં ગોખલે પુલને તોડવાનું કામ પૂરું થવું આવશ્યક છે. પરંતુ પુલને તોડવા માટે વપરાતા મશીનને કારણે રાતના સમયમાં ભારે ઘોંઘાટ થતો હોવાથી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પડતો હોવાની સ્થાનિક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી.
સ્થાનિક નાગરિકોએ પોતાની ફરિયાદ તેમના વિસ્તારના ભૂતપૂર્વ નગરસેવક સુધી પહોંચાડી હતી અને આ ભૂતપૂર્વ નગરસેવકે રેલવેને ફરિયાદ કરી હતી. તેથી પુલ તોડવાનું કામ બંધ કરવામાં આવ્યું હોવાનું જણાવતો પત્ર પશ્ર્ચિમ રેલવેએ પાલિકાને લખ્યો હતો.
પાલિકાના એડિશનલ કમિશનર પી.વેલરાસુના જણાવ્યા મુજબ મંગળવારથી પુલને તોડવાનું કામ બંધ કરવામાં આવ્યું હતું. તેથી મે સુધીમાં પુલની બે લેન ખુલ્લી મુકવાની ડેડલાઈનને અસર થશે. પશ્ર્ચિમ રેલવેના અધિકારી સાથે ચર્ચા થયા બાદ પુલ તોડી પાડવાની કામગીરી શનિવારથી ફરી ચાલુ કરવામાં આવવાની છે.
પશ્ર્ચિમ રેલવેએ પાલિકાને લખેલા પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે પુલને તોડી પાડવાના કામમાં એક દિવસનો વિલંબ પણ પુલ બાંધવાની ડેડલાઈનને પહોંચી વળવામાં અડચણરૂપ બની શકે છે. પુલ બાંધવાના કામમાં વિલંબ થતા તેને પરિણામે નાગરિકો માટે પુલ ખોલવામાં પણ મોડું થશે અને લોકોની હેરાનગતી પણ વધશે.
નોંધનીય છે કે અંધેરી પૂર્વ-પશ્ર્ચિમને જોડનારો ગોખલે પુલ રાહદારીઓ માટે અને વાહનવ્યવહાર માટે સાત નવેમ્બર, ૨૦૨૨થી બંધ કરી દેવામાં આવ્યો હતો.