Updated: Dec 1st, 2023
– સચીનની આગ જેવી કે અન્ય દુર્ઘટના બને તો જવાબદારી કોની ?
– અંદાજે પાંચ હજાર જેટલી દુકાનો ધરાવતી 40 જેટલી માર્કેટે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રીન્યુ ન કરાવી હોય આગામી દિવસોમાં તેવી માર્કેટ સામે પાલિકા કાર્યવાહી કરશે
સુરત,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
સુરતમાં વર્ષ 2019માં તક્ષશિલા દુર્ઘટના બાદ શહેરના કોમર્શિયલ બિલ્ડીંગમાં પાલિકાના ફાયર વિભાગે કડકાઈ શરુ કરી છે. પાલિકાની આવી કામગીરી છતાં પણ સુરતમાં અંદાજે પાંચ હજાર જેટલી દુકાનો ધરાવતી 40 જેટલી માર્કેટે ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રીન્યુ કરાવી નથી. પાલિકા દ્વારા હાલમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ ન કરાવનાર માર્કેટ તથા અન્ય સંસ્થા સામે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે એક માર્કેટની 1500 દુકાનો સીલ કર્યા બાદ આગામી દિવસોમાં 40 જેટલી માર્કેટમાં ફાયરની એન.ઓ.સી. મુદ્દે કામગીરી કરવામાં આવશે.
સુરત નજીક આવેલા સચીનની એથર કંપનીમાં ગઈકાલે ભીષણ આગ લાગ્યા બાદ પાલિકાનું ફાયર તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. આ આગની દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગે ફાયર એન.ઓ.સી. વિનાની મિલ્કતો સામે સીલીંગ ની કામગીરી હાથ ધરી છે. પાલિકાએ આજે અભિષેક માર્કેટની 1500 દુકાન સીલ કરાયા બાદ વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પાલિકાના ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે હજી પણ સુરતમાં નાની મોટી 40 જેટલી એવી માર્કેટ છે તેમાં પાંચ હજાર જેટલી દુકાનો છે પરંતુ તેઓએ ફાયર સેફ્ટી માટે એન.ઓ.સી. રિન્યુ કરાવી નથી. આવી માર્કેટનો સર્વે હાલ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં આ માર્કેટને નોટિસ આપી ફાયર સેફ્ટીની એન.ઓ.સી. રીન્યુ કરાવવા માટે તાકીદ કરવામાં આવશે. નોટીસમાં આપેલી સમય મર્યાદા બાદ પણ જો નિયત સમયમાં ફાયર સેફ્ટી માટેની એન.ઓ.સી. રિન્યૂ કરાવવામાં નહીં આવે તો. તેવી માર્કેટ સામે સીલીંગની કામગીરી કરવામાં આવશે.