કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ વર્ષે દેશની અર્થવ્યવસ્થા માટે અંદાજિત છ ટકાથી વધુ વૃદ્ધિ દર હોવા છતાં ભારત વૈશ્વિક આર્થિક ભૌગોલિક-રાજકીય વાતાવરણને લઈને ચિંતિત છે.
તેમણે બુધવારે અહીં એક બેઠક દરમિયાન વિશ્વ નેતાઓની હાજરીમાં જણાવ્યું હતું કે વર્તમાન પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને વૈશ્વિક પુરવઠા શૃંખલા પરના દબાણે વૈશ્વિક અર્થતંત્ર પર જબરદસ્ત અસર કરી છે.
વૈશ્વિક અર્થતંત્ર પહેલેથી જ ઊંચા વ્યાજ દરો, ફુગાવાના દબાણથી પ્રભાવિત છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે કેટલીક અદ્યતન અર્થવ્યવસ્થાઓમાં બેન્કિંગ સેક્ટરમાં તાજેતરની કટોકટીએ વૈશ્વિક આર્થિક પુનઃપ્રાપ્તિ માટેના પડકારોમાં વધારો કર્યો છે.
તેમણે કહ્યું કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં સમસ્યાઓના કારણે ખાદ્ય, ઈંધણ અને ખાતર ક્ષેત્ર દબાણ હેઠળ છે. તેનાથી ખાદ્ય અને ઉર્જા સુરક્ષા સંકટમાં વધારો થયો છે. આ કારણોસર ખાસ કરીને વિશ્વના ગરીબ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગો ખરાબ રીતે પ્રભાવિત થયા છે.
નાણામંત્રીએ કહ્યું, “આજે સમયની જરૂરિયાત વૈશ્વિક નાણાકીય પડકારોનો સામનો કરવા માટે લોકોની આગેવાની હેઠળની સર્વસંમતિ આધારિત અને સામૂહિક પહેલ છે.”