Updated: Oct 31st, 2023
– વર્ક પરમીટ વિઝાની ફેસબુક ઉપર જાહેરાત મુકી લોકોને શિકાર બનાવ્યાઃ વિશ્વાસ કેળવવા વિઝા માટે જેટલા રૂપિયા આપતા હતા તે રકમનો સહીવાળો ચેક પણ આપતો હતો
– પુણા ગામના ફર્નિચર વેપારીની પત્નીને કેનેડાના મોલનો જોબ ઓફર લેટર મેઇલ કર્યો, મેડીકલ માટે અમદાવાદ જવાનું કહ્યા બાદ ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો
સુરત
મોટા વરાછાના લજામણી ચોક સ્થિત મેરીડીયન બિઝનેશ સેન્ટરમાં આવેલી ઇગોન ઇમિગ્રેશનનો સંચાલક કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચ આપી અંદાજે 100 થી વધુ લોકો પાસેથી લાખ્ખો રૂપિયા ઉઘરાવી ભુગર્ભમાં ઉતરી જતા ઉત્રાણ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ભેજાબાજની શોધખોળ હાથ ધરી છે.
પુણા ગામના ગુલાબ ચોક નજીક કોળીવાડ ફળીયામાં રહેતા ફર્નિચર વેપારી કલ્પેશ પરસોત્તમ પટેલ (ઉ.વ. 29) પત્ની ભુમિને કેનેડા મોકલવા માટે મે 2023 માં પોતાના ફેસબુક આઇડી પર ઉપર જાહેરાત જોય મોટા વરાછાના લજામણી ચોક સ્થિત મેરીડીયન બિઝનેશ સેન્ટર ખાતે ઇગોન ઇમિગ્રેશનના સંચાલક જયદીપ મહેન્દ્ર પટેલ (રહે. 11, પટેલ કોલોની, કાલાવાડ રોડ નં. 3, જામનગર) નો સંર્પક કર્યો હતો. જયદીપે કેનેડાના વર્ક વિઝાનો રૂ. 15 લાખનો ખર્ચ અને રૂ. 10 લાખ પોતાની ઓફિસમાં જમા કરાવવાના અને રૂ. 5 લાખ કેનેડામાં જોબ ચાલુ થાય ત્યારે દર મહિને રૂ. 50 હજાર લેખે 10 મહિના સુધી કપાશે તેવી લોભામણી લાલચ આપી હતી. જેથી કેનેડા જવાની લાલચમાં કલ્પેશે પત્ની ભુમિનો આધારકાર્ડ, પાસપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા એડવાન્સ પેટે રોકડા રૂ. 1 લાખ આપ્યા હતા. જયદીપે કલ્પેશને વિશ્વાસ કેળવવા રૂ. 1 લાખની સામે સિક્યુરીટી પેટે તારીખ વગરનો રૂ. 1 લાખનો સહી વાળો ચેક આપ્યો હતો.
ત્યાર બાદ સ્ટેમ્પ પેપર ઉપર નોટોરાઇઝ લખાણ કરાવી જોબ ઓફર લેટરનો મેઇલ આવશે ત્યારે બીજા રૂ. 2 લાખ આપવાનું કહ્યું હતું. વીસેક દિવસ બાદ કેનેડાના શોપર્સ લેન્ડમાર્ક મોલનો જોબ લેટર મેઇલ થકી મોકલાવી રૂ. 2 લાખ લઇ લીધા હતા અને તેની સામે પણ સિક્યુરીટી પેટે ચેક આપ્યો હતો. ત્યાર બાદ જયદીપે વધુ રૂ. 5 લાખની માંગણી કરતા કલ્પેશના સસરાના બેંક એકાઉન્ટનો રૂ. 3 લાખનો ચેક આપ્યો હતો અને જયદીપે તા. 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ મેડીકલ ચેકઅપ માટે તૈયારી કરવા કહ્યું હતું. પરંતુ ત્યાર બાદ જયદીપે ફોન બંધ કરી દેતા કલ્પેશ ઇગોન ઇમિગ્રેશનની ઓફિસ ખાતે ગયો હતો જયાં જાણવા મળ્યું હતું કે જયદીપ 25 થી 30 જણાને વર્ક પરમીટ વિઝાના બહાને લાખ્ખો રૂપિયા ઉઘરાવી ભુગર્ભમાં ઉતરી ગયો છે.
ભેજાબાજ જયદીપ પટેલના ચારથી પાંચ સરનામા મળતા પોલીસ મુંઝવણમાં
ફેસબુક ઉપર કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝાની લોભામણી જાહેરાત મુકી નોકરી માટે વિદેશ જવા ઇચ્છતા લોકો પાસેથી લાખ્ખો રૂપિયા પડાવનાર જયદીપ પટેલની શોધખોળ માટે પોલીસે કવાયત શરૂ કરી છે. પરંતુ પ્રાથમિક તપાસમાં જયદીપે 100 થી વધુ લોકોને વિદેશના વર્ક પરમીટના નામે લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યાનું અને તેના એક નહીં પરંતુ ત્રણથી ચાર સરનામા મળ્યા છે. હાલમાં પોલીસે જામનગર કાલાવાડ રોડ નં. 3 નો રહેવાસી હોવાનું નોંધ્યું છે પરંતુ તપાસ અંતર્ગત આણંદ ઉપરાંત અમદાવાદ અને મહેસાણા સહિતના ચારથી પાંચ સરનામા મળતા પોલીસ મુંઝવણમાં મુકાય છે.