આ સપ્તાહે સોના અને ચાંદીના વાયદાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. સોનાનો વાયદો નવી ઊંચાઈએ પહોંચ્યો છે. ચાંદીનો વાયદો પણ રૂ.77 હજારને પાર કરી ગયો છે અને ટૂંક સમયમાં ઉચ્ચતમ સ્તરને સ્પર્શી શકે છે.
શુક્રવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો જૂન કોન્ટ્રાક્ટ રૂ. 60,731 પર ખૂલ્યો હતો, જ્યારે અગાઉનો બંધ ભાવ રૂ. 60,628 પ્રતિ 10 ગ્રામ હતો. સમાચાર લખાય છે ત્યારે તે દિવસની ટોચે રૂ. 61,371 પર પહોંચ્યો હતો.
સોનાની આ વાયદાની કિંમત પણ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી છે. સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 627 રૂપિયાના વધારા સાથે 61,255 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ચાંદી પણ ચમકી, ભાવ 77 હજારને પાર
સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે, MCX પર ચાંદીનો મે કોન્ટ્રાક્ટ અગાઉના બંધ ભાવથી રૂ. 121 વધી રૂ. 76,034 પર ખૂલ્યો હતો. સમાચાર લખાય છે ત્યારે તે રૂ.1,097ના વધારા સાથે રૂ.77,010 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે પ્રતિ કિલોગ્રામ રૂ. 77,097ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.
IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાનું કહેવું છે કે ચાંદીની અત્યાર સુધીની સૌથી ઊંચી કિંમત રૂ. 77,949 પ્રતિ કિલો છે. આજે રાત્રે બજાર બંધ ન થાય ત્યાં સુધી સોનાનો વાયદો આ સ્તરે પહોંચી શકે છે. જો આજે આવું ન થાય તો પણ આવતા સપ્તાહ સુધીમાં ચાંદીનો વાયદો સર્વોચ્ચ સપાટીને સ્પર્શી શકે છે.