અઠવાડીયા પહેલા મહિધરપુરા ચોક્સીબજારની શોપમાં રૂ.4.20 લાખની સોનાની 9 ચેઈનનો ડબ્બો ચોરી ત્રણ બુરખાધારી મહિલા ફરાર થઈ હતી
મહિધરપુરા પોલીસે 70 સ્થળના સીસીટીવી કેમેરા ચેક કરી પગેરું મેળવ્યું : ચોરી કરી રીક્ષામાં રવાના થયેલી મહિલાઓ કારમાં સુરત આવી હોવાની ભાળ મળી હતી
Updated: Dec 6th, 2023
– અઠવાડીયા પહેલા મહિધરપુરા ચોક્સીબજારની શોપમાં રૂ.4.20 લાખની સોનાની 9 ચેઈનનો ડબ્બો ચોરી ત્રણ બુરખાધારી મહિલા ફરાર થઈ હતી
– મહિધરપુરા પોલીસે 70 સ્થળના સીસીટીવી કેમેરા ચેક કરી પગેરું મેળવ્યું : ચોરી કરી રીક્ષામાં રવાના થયેલી મહિલાઓ કારમાં સુરત આવી હોવાની ભાળ મળી હતી
સુરત, : સુરતના મહિધરપુરા ચોક્સીબજારમાં અઠવાડીયા પહેલા પાલનપુર પાટીયાના વૃદ્ધ જવેલરની નજર ચૂકવી રૂ.4.20 લાખની સોનાની 9 ચેઈનનો ડબ્બો ચોરી ફરાર થયેલી ત્રણ બુરખાધારી મહિલા પૈકી એક અને તેના પતિને મહિધરપુરા પોલીસે માલેગાંવથી ઝડપી લીધા છે.ઝડપાયેલો યુવાન અન્ય ત્રણ રીઢા ગુનેગારો સાથે ગોલ્ડન ગેંગ ચલાવે છે અને પરિવારની મહિલાઓ ઉપરાંત અન્ય સંબંધી મહિલાઓને ગુજરાત અને મહારાષ્ટ્રના જુદાજુદા શહેરોમાં બુરખામાં મોકલી જવેલરી શોપમાં ચોરી કરાવે છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા ચોક્સીબજારમાં સાંઇ જવેલર્સના નામે દુકાન ધરાવતા પાલનપુર પાટીયાના વૃદ્ધ જવેલર અશોકભાઇ પ્રભુભાઇ પંચાલની નજર ચૂકવી ત્રણ બુરખાધારી મહિલા રૂ.4.20 લાખની સોનાની 9 ચેઈનનો ડબ્બો ચોરી ફરાર થઈ ગઈ હતી.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા મહિલાઓ બહાર નીકળી રીક્ષામાં જતી નજરે ચઢી હતી.આથી પોલીસે વિસ્તારના 70 સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસી રીક્ષા ચાલકને શોધી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મહિલાઓ કમેલા દરવાજાથી સ્પેશીયલ રિટર્ન રીક્ષા કરી દુકાન નજીક આવી ઉતરી હતી.માત્ર 15 મિનિટમાં ચોરી કરી ત્રણેય પરત તે રીક્ષામાં કમેલા દરવાજા પહોંચી હતી અને ત્યાંથી એક ભાડાની કારમાં નીકળી ગઈ હતી.
આથી મહિધરપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ, કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈ અને મહાવીરસિંહ અનિરુદ્ધસિંહે ફૂટેજ અને ટોલ પ્લાઝાની માહિતી મેળવી તે કાર માલેગાંવની હોવાની માહિતી મળતા ટીમ ત્યાં પહોંચી હતી.પોલીસે કારના ચાલકને શોધી તેને ભાડે રાખનારની વિગતો મેળવી બાદમાં વેશપલટો કરી સઈદા ( ઉ.વ.40 ) અને તેના પતિ રહેમતુલ્લા ઉર્ફે શેરૂ સમીઉલ્લા અન્સારી ( ઉ.વ.44 ) ( બંને રહે.સર્વે નં.13, પ્લોટ નં.65, કાકુબાઈ બાગ, સંગમેશ્વર, માલેગાંવ, જી.નાસીક, મહારાષ્ટ્ર ) ને ઝડપી લીધા હતા.તેમની પુછરપરછ કરતા જાણવા મળ્યું હતું કે રહેમતુલ્લા ઉર્ફે શેરૂ અન્ય ત્રણ રીઢા ગુનેગારો સાથે ગોલ્ડન ગેંગ ચલાવે છે અને પરિવારની મહિલાઓ ઉપરાંત અન્ય સંબંધી મહિલાઓને ગુજરાત અને મહારાષ્ટ્રના જુદાજુદા શહેરોમાં બુરખામાં મોકલી જવેલરી શોપમાં ચોરી કરાવે છે.
સુરતમાં ચોરી માટે તેની પત્નીની સાથે ઈરફાના ઈસ્માઈલ અને નફીસા અન્સારી આવી હતી.રહેમતુલ્લા ઉર્ફે શેરૂ તે સમયે માલેગાંવમાં જ હતો અને ત્યાંથી જ તેણે બધું આયોજન કર્યું હતું.રહેમતુલ્લા ઉર્ફે શેરૂની પત્ની સઈદા મુંબઈ અને મુંબ્રામાં આવા ચાર ગુનામાં ઝડપાઇ ચુકી છે.સઈદાની બહેન પણ તેની સાથે ચોરીમાં સામેલ થતી હોય તે પણ અગાઉ પકડાઈ છે.