Updated: Oct 23rd, 2023
સુરત, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર
શહેરમાં ફાફડા જલેબીનું વેચાણ કરતી રેસ્ટોરન્ટ માંથી નમુના લઈ લેબોરેટરીમાં મોકલ્યા, ગુણવત્તા ચકાસવા માટે ટીપીસી મશીનનો ઉપયોગ
સુરતમાં દશેરાના દિવસે કરોડ રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય તે પહેલા આજે પાલિકાના ફૂડ વિભાગે વિવિધ દુકાનો માંથી ફાફડા જલેબી અને તેલના સેમ્પલ લઇ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ સેમ્પલ માંથી જો કોઈ સંસ્થાના નમૂના નિષ્ફળ જશે તો તે સંસ્થા સામે પાલિકા તંત્રો દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ખાણીપીણીના શોખીન સુરતીઓ આવતીકાલે દશેરાના દિવસે ફાફડા જલેબી સાથે અન્ય ફરસાણ પણ ઝાપટી જશે. સુરતમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નું વેચાણ થાય છે ત્યારે કેટલાક લે ભાગુ વેપારીઓ ભેળસેળ કરતા હોય આવા વેપારીઓ સામે પાલિકાના આરોગ્ય વિભાગ એ શહેરની વિવિધ ફાફડા અને જલેબી નું વેચાણ કરતી દુકાનોમાં દરોડા પાડ્યા હતા.
પાલિકાના ફૂડ વિભાગે ફાફડા જલેબી ના સેમ્પલ લઈને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ કેટલાક વેપારીઓ એકના એક તેલમાં ફાફડા જલેબી બનાવતા હોય લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે તેના કારણે આ વખતે પાલિકાના ફૂલ વિભાગે તેલની ગુણવત્તાની ચકાસણી માટે ટીપીસી મશીન નો ઉપયોગ કર્યો છે.
આ ચકાસણી દરમિયાન બપોર સુધી કોઈ ગેરરીતી બહાર આવી નથી લેબોરેટરીમાં મૂકવામાં આવેલા સેમ્પલ માં જો કોઈ સેમ્પલ નિષ્ફળ જશે તો તે દુકાનદાર સામે પાલિકા કાર્યવાહી કરશે.