પોલીસ કમિશનરની ચીમકી : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો : દારૂ પી ને નીકળેલા લોકોને ચકાસવા 200 બ્રેથ એનલાઇઝર અને ડ્રગ્સનું સેવન ચકાસવા ડ્રગ્સ ડિટેક્શન કીટનો ઉપયોગ કરાશે
જાણીતા સ્થળો ઉપરાંત ધંધાદારી આયોજનો, ખાનગી ફાર્મ હાઉસ પર પોલીસની સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી ચાંપતી નજર રહેશે : મહિલાઓ-દીકરીઓની સલામતી માટે પણ ખાસ આયોજન
Updated: Dec 29th, 2023
– પોલીસ કમિશનરની ચીમકી : કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો : દારૂ પી ને નીકળેલા લોકોને ચકાસવા 200 બ્રેથ એનલાઇઝર અને ડ્રગ્સનું સેવન ચકાસવા ડ્રગ્સ ડિટેક્શન કીટનો ઉપયોગ કરાશે
– જાણીતા સ્થળો ઉપરાંત ધંધાદારી આયોજનો, ખાનગી ફાર્મ હાઉસ પર પોલીસની સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી ચાંપતી નજર રહેશે : મહિલાઓ-દીકરીઓની સલામતી માટે પણ ખાસ આયોજન
સુરત, : સુરતમાં વર્ષ 2023 ને વિદાય આપી નવા વર્ષ 2024 ને આવકારવા લોકો ઉજવણી કરશે.તે સમયે શહેરના રસ્તાઓ અને જાહેર સ્થળો પર નીકળેલા લોકો કોઈ અનિચ્છનીય બનાવનો ભોગ નહીં બને અને ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત રાખ્યો છે.સુરત પોલીસના 5500 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી જવાનો સાથે એસઆરપીની ચાર કંપની તે માટે તૈનાત રહેશે અને જાણીતા સ્થળો ઉપરાંત ધંધાદારી આયોજનો, ખાનગી ફાર્મ હાઉસ પર પોલીસની સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી ચાંપતી નજર રહેશે.
દેશ-વિદેશની જેમ સુરતમાં વર્ષ 2023 ને વિદાય આપી નવા વર્ષ 2024 ને આવકારવા લોકો પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ જાહેર માર્ગો ઉપર નીકળી તેમજ જાણીતા સ્થળોએ એકત્ર થઈને ઉજવણી કરશે.આ સમયે કેટલાક અસામાજીક તત્ત્વો ગેરલાભ નહીં ઉઠાવે, લોકો કોઈ અનિચ્છનીય બનાવનો ભોગ નહીં બને અને ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે માહિતી આપતા જણાવ્યું હતું કે ઘણા લોકો થર્ટી ફર્સ્ટની ઉજવણી એટલે દારૂ અને ડ્રગ્સનું સેવન કરીને થતી ઉજવણી માંને છે.જોકે, સુરત પોલીસ છેલ્લા ત્રણ વર્ષથી નો ડ્રગ્સ ઈન સુરત સીટી હેઠળ ડ્રગ્સની બદીને નાથવા ઝુંબેશ ચલાવી રહી છે.તેથી થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂ પીધેલાઓને પકડવા માટે 200 બ્રેથ એનલાઇઝર ઉપરાંત ડ્રગ્સનું સેવન કર્યું છું કે કેમ તે ચકાસવા પણ ડ્રગ્સ ડિટેક્શન કીટનો ઉપયોગ કરાશે.
પોલીસ કમિશનરે લોકોને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી ચીમકી આપતા જણાવ્યું હતું કે ઉજવણી દરમિયાન ભયજનક રીતે ડીકી ખોલી કે બોનેટ પર બેસી ફરતા લોકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે જાહેર સ્થળોએ એકત્ર થયેલા લોકોને કંટ્રોલ કરવા તેમજ કોઈ ટ્રાફિક ગેરવ્યવસ્થા નહીં સર્જાય તે માટે કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરાયા છે.ઉપરાંત, સમગ્ર શહેર પોલીસની તમામ પીસીઆર વાન, બાઇકનો ઉપયોગ કરી પોઇન્ટ બનાવી પણ તપાસ કરાશે.સુરત શહેર પોલીસના સીસીટીવી નેટવર્કના આધારે અધિકારીઓ કંટ્રોલ રૂમમાં બેસી ચાંપતી નજર રાખશે.તેમજ જાણીતા સ્થળો ઉપરાંત ધંધાદારી આયોજનો, ખાનગી ફાર્મ હાઉસ પર પોલીસની સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી ચાંપતી નજર રહેશે.
ઉજવણી દરમિયાન મહિલાઓ-દીકરીઓની સલામતી માટે પોલીસ જવાનો ઉપરાંત સી ટીમ પણ તૈનાત રહેશે.સુરત પોલીસના 5500 થી વધુ પોલીસ જવાનો, હોમગાર્ડ, ટીઆરબી જવાનો સાથે એસઆરપીની ચાર કંપની સમગ્ર ઉજવણી દરમિયાન તૈનાત રહેશે.પોલીસે ગતરોજ કેટલાક સ્થળોએ કોમ્બિંગ કરી બુટલેગરો અને અસામાજીક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે વિતેલા છ દિવસમાં રૂ.36 લાખના દારૂ સહિત કુલ રૂ.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.ઉપરાંત, દારૂ પી ને વાહન ચલાવનારાઓ સામે પોલીસે અભિયાન શરૂ કરી દીધું છે.સુરત પોલીસે ચાલુ વર્ષે 1001 થી વધુની પાસા હેઠળ અટકાયત કરી છે.